સત્ય. સાહસ. સંકલ્પ.

મોદી સરકાર ડિલિમિટેશન બિલ લાવવા તૈયાર, બે તૃતીયાંશ બહુમતીના આંકડા પર સવાલ

મોદી સરકાર ડિલિમિટેશન બિલ લાવવા તૈયાર, બે તૃતીયાંશ બહુમતીના આંકડા પર સવાલ

કેન્દ્રની મોદી સરકાર સંસદના આગામી શિયાળુ સત્રમાં ડિલિમિટેશન બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ બિલ લોકસભાની બેઠકોની સંખ્યામાં વધારો કરવા સાથે મહિલા અનામતને અમલમાં મૂકવા માટેનો માર્ગ મોકળો કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે બિલ પાસ કરાવવા માટે જરૂરી બે તૃતીયાંશ બહુમતીનો આંકડો મેળવી લીધો હોવાના અહેવાલ છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ડિલિમિટેશન બિલ મહિલા આરક્ષણ સંશોધન વિધેયક સાથે જોડાયેલું છે. જો આ બિલ પાસ થશે તો લોકસભાની હાલની 543 બેઠકો વધીને મહત્તમ 850 સુધી થઈ શકે છે. આ બેઠકોમાંથી 33 ટકા બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે. આનો અર્થ એ થાય છે કે 2029ની સામાન્ય ચૂંટણી પહેલા સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલા આરક્ષણ લાગુ કરવાનો માર્ગ ખૂલી શકે છે.

દક્ષિણ ભારતીય રાજ્યોની ચિંતાઓ દૂર કરવા માટે સરકારે એક ફોર્મ્યુલા પર વિચાર કર્યો છે. આ ફોર્મ્યુલા હેઠળ તમામ રાજ્યોમાં લોકસભા બેઠકોની સંખ્યામાં 50 ટકા સુધીનો સમાન વધારો કરવામાં આવશે. સાથે જ 1971ની વસ્તી ગણતરીના આધારે બેઠકોનું વર્તમાન વિતરણ યથાવત રાખવામાં આવશે.

સંખ્યાબળની ગણતરી પ્રમાણે, સત્તાધારી NDA પાસે હાલ 320 સાંસદો છે. 50 ટકા બેઠકો વધારવાના પ્રસ્તાવને કારણે ડીએમકેના 22 સાંસદો અને અન્ય પક્ષો કે સંભવિત સમર્થકોને જોડીને એનડીએ 350થી વધુનો આંકડો પાર કરીને બે તૃતીયાંશ બહુમતી મેળવી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ પ્રસ્તાવ પર હજુ અંતિમ નિર્ણય થયો નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ એપ્રિલ મહિનામાં પૂરતી સંખ્યા ન મળવાને કારણે આ બિલ પાસ થઈ શક્યું ન હતું. હવે સરકારે જરૂરી બે તૃતીયાંશ આંકડો મેળવી લીધો હોવાના અહેવાલ છે, પરંતુ આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી.