કેન્દ્ર સરકારે દિલ્હી-વારાણસી-ગુવાહાટી બુલેટ ટ્રેન કોરિડોરને મંજૂરી આપી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે વારાણસીમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નોર્ધર્ન કોરિડોરને મંજૂરી આપી છે.
આ કોરિડોર દિલ્હીથી શરૂ થઈને આગ્રા, કાનપુર, લખનઉ અને અયોધ્યા થઈને વારાણસી પહોંચશે. ત્યારબાદ પટણા થઈને ગુવાહાટી સુધી જશે. કોરિડોર તૈયાર થયા પછી દિલ્હીથી આગ્રાની મુસાફરી 59 મિનિટમાં, કાનપુરની 1 કલાક 45 મિનિટમાં અને લખનઉની 2 કલાક 12 મિનિટમાં પૂરી થશે. દિલ્હીથી વારાણસીની મુસાફરી 3 કલાક 33 મિનિટમાં થશે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વારાણસીમાં દેશની બીજી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવવા પહોંચ્યા હતા. આ ટ્રેનના થર્ડ એસીનો લુક સામાન્ય ટ્રેનોના ફર્સ્ટ એસી જેવો છે અને તેનું ઇન્ટિરિયર શાનદાર છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનના ઉદ્ઘાટન પહેલાં રેલવે મંત્રીએ સિગ્નેચર બ્રિજ કન્સ્ટ્રક્શન સાઇટનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે બનારસથી દિલ્હી જોડવા માટે આ ટ્રેન ખૂબ મહેનત અને ધ્યાનપૂર્વક બનાવવામાં આવી છે. આ મધ્યમવર્ગીય પરિવારો માટે પરિવહન ક્ષેત્રે નવી સુવિધા બનશે. તમે બનારસથી રાત્રે બેસીને વહેલી સવારે દિલ્હી પહોંચી જશો અને દિલ્હીથી રાત્રે બેસીને વહેલી સવારે બનારસ પહોંચી જશો. રાત્રી મુસાફરીને ધ્યાનમાં રાખીને આ ટ્રેનની ડિઝાઇન કરવામાં આવી છે.
કાશીને બે નવી મેમૂ ટ્રેનોની પણ ભેટ મળશે. વારાણસી સિટીથી રાજાતાલાબ વચ્ચે ચાર જોડી મેમૂ ટ્રેનો દોડશે. આ ટ્રેનોમાં 12 કોચ હશે અને વારાણસી જંક્શન, બનારસ, ભુલનપુર અને હરદત્તપુર સ્ટેશનો પર રોકાણ રહેશે. તેનાથી દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકોને લાભ મળશે. આ ઉપરાંત બનારસથી પ્રયાગરાજ રામબાગ વચ્ચે મેમૂ સેવા આગળ વધારવાની યોજના છે, જેથી બંને ધાર્મિક અને શૈક્ષણિક શહેરો વચ્ચે અવરજવર સરળ બનશે.
મુસાફરોની સુરક્ષા માટે ટ્રેનમાં અનેક આધુનિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ કોચમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ઓટોમેટિક દરવાજા અને આધુનિક ફાયર એલાર્મ સિસ્ટમ પણ આપવામાં આવી છે. અદ્યતન સસ્પેન્શન અને સુરક્ષા ટેક્નોલોજીથી ટ્રેનને વધુ ઝડપે પણ સ્થિર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ફર્સ્ટ AC કોચમાં શાવર, વિમાન જેવી સુવિધાઓનો અનુભવ મળશે. અહીં બર્થ અને કેબિનનું ઇન્ટિરિયર વધુ વૈભવી રાખવામાં આવ્યું છે. ફર્સ્ટ ACના બાથરૂમમાં શાવરની સુવિધા પણ મળશે. તમામ કોચમાં ઇન્ડિયન અને વેસ્ટર્ન સ્ટાઇલના બાયો ટોયલેટ લગાવવામાં આવ્યા છે, જેથી સ્વચ્છતા અને આરામનો વધુ સારો અનુભવ થાય.
આ ટ્રેનની સૌથી ખાસ વ્યવસ્થા એ છે કે તેમાં પરંપરાગત ટ્રેનોની જેમ RAC અને વેઇટિંગ ટિકિટની સુવિધા નહીં હોય. માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો જ મુસાફરી કરી શકશે. આથી કોચમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ ભીડ નહીં થાય અને મુસાફરોને પોતાની બર્થ પર આરામથી સૂવા અને સામાન રાખવાની સુવિધા મળશે.
દરેક બર્થ પર ચાર્જિંગ પોઇન્ટ, રીડિંગ લાઇટ, CCTV કેમેરા અને ફાયર સેફ્ટી સિસ્ટમ પણ આપવામાં આવી છે. રાતભરની મુસાફરીમાં આરામ મળે તે માટે બર્થની કુશનિંગ વધુ સારી બનાવવામાં આવી છે. ટ્રેનમાં આધુનિક ઇન્ટિરિયર, સેન્ટ્રલાઇઝ્ડ AC અને અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ લગાવવામાં આવી છે, જેથી ઝડપી ગતિએ પણ ઝટકા અને બહારનો અવાજ ઓછો અનુભવાશે.