સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં તિરંગા રેલીનું એલાન, 25,000 પોલીસકર્મી તૈનાત

દિલ્હીના સેન્ટ્રલ પાર્કમાં તિરંગા રેલીનું એલાન, 25,000 પોલીસકર્મી તૈનાત

દિલ્હીમાં યોજાનારી તિરંગા રેલીને ધ્યાનમાં રાખીને ગુરુવારે પોલીસ કમિશનર અનુરાગ કુમારની આગેવાની હેઠળ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ન્યુ દિલ્હી વિસ્તારના જોઈન્ટ સીપી અને ડીસીપી પણ હાજર રહ્યા હતા.

ડીસીપી (પીઆરઓ) નેહા યાદવે જણાવ્યું કે કનોટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારોમાં શાંતિ જાળવવા તથા મિલકતોની સુરક્ષા માટે અગાઉથી જ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરી દેવાયા છે. તેમણે કહ્યું કે મેટ્રો સેવા બંધ કરવાનો કોઈ નિર્ણય હાલ લેવાયો નથી અને તેને માત્ર આખરી વિકલ્પ તરીકે જ વિચારવામાં આવશે.

પોલીસે એ પણ સ્પષ્ટ કર્યું છે કે યોગ્ય સ્થળે ચોક્કસ જૂથના લોકોને રાષ્ટ્રધ્વજ લહેરાવવાની અને રાષ્ટ્રગીત ગાવાની મંજૂરી આપી શકાય છે.

સુરક્ષા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક અને રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. રાજીવ ચોક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 અને 3 પર નવા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવાર સુધીમાં ન્યુ દિલ્હી વિસ્તારમાં સુરક્ષા માટે આશરે 25,000 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે અને વધારાના 5,000 જવાનોને પણ બોલાવવામાં આવ્યા છે. પાલિકા બજાર વિસ્તારની બહાર ડેટન્શન બસો (અટકાયત માટેની બસો) પણ લાઇનસર ઊભી રાખવામાં આવી છે, જેમાંથી આશરે 16 બસો સંસદ માર્ગ અને ટૉલસ્ટૉય રોડ વચ્ચે ગોઠવવામાં આવી હતી.

તહેવારોની સિઝનમાં વેપારીઓની ચિંતા વધી છે. કનોટ પ્લેસના પાલિકા બજાર જેવા મુખ્ય વેપારી કેન્દ્રોના દુકાનદારો માટે આ સમય ચિંતાજનક બની રહ્યો છે. વારંવારના વિરોધ પ્રદર્શન અને પ્રતિબંધોને કારણે દુકાનો બંધ રાખવી પડે છે, જેનાથી વેપાર પર માઠી અસર પડી રહી છે. પાલિકા બજારમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવતા વિનય ઠાકુરે જણાવ્યું હતું કે તેઓ જુલાઈમાં થયેલા વિરોધ પ્રદર્શનોના નુકસાનમાંથી હજુ બહાર આવ્યા નહોતા અને તહેવારોના આ પહેલા જ મહિનામાં તેમની દુકાનો ચાર દિવસ બંધ રાખવી પડી છે.

'ન્યુ દિલ્હી ટ્રેડર્સ એસોસિએશન'ના પ્રમુખ અદુલ ભાર્ગવે જણાવ્યું હતું કે દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ વેપારીઓને પણ જીવવાનો અને ધંધો કરવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે જુલાઈના પ્રદર્શનો દરમિયાન વેપાર ઘટીને માત્ર 10% પર આવી ગયો હતો અને આ વિસ્તારમાં આશરે 25,000 કામદારોની આજીવિકા જોડાયેલી છે, તેથી કનોટ પ્લેસ પ્રદર્શન માટે યોગ્ય સ્થળ નથી. વેપારી સંગઠનો દ્વારા અશાંતિ અને ગેરકાયદેસર એકત્રીકરણ સામે રક્ષણ મેળવવા રજૂઆતો કરવામાં આવી છે, જે બાદ પોલીસે સુરક્ષા વધુ સઘન બનાવી છે.