દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં 17 વર્ષીય એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યા બાદ છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં દિલ્હી પોલીસે 50થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ત્રણ સગીરો (16થી 17 વર્ષ) અને એક પુખ્ત શખ્સ શિવમ ઉર્ફે સુદામા સામેલ છે.
ઘટના 13 સપ્ટેમ્બરની સવારે સામે આવી હતી, જ્યારે કુશક રોડ નજીકના ખેતરોમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ એટલો સડી ગયો હતો કે ફોરેન્સિક ટીમ માટે શરૂઆતમાં જેન્ડર નક્કી કરવું પણ મુશ્કેલ બન્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતદેહના કેટલાક ભાગો ભટકતા કૂતરાઓએ ખાઈ લીધા હતા અને મૃતકનો એક હાથ ખેતરમાં અલગ પડેલો મળી આવ્યો હતો. મૃતકની ઉંમર 17 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં એ વિગત પણ સામે આવી હતી કે સગીરાના પરિવારે તે ગુમ થઈ હોવાની કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. પરિવારે પોલીસને જણાવ્યું હતું કે દીકરી અવારનવાર કોઈને કહ્યા વિના ઘરેથી જતી રહેતી અને થોડા દિવસો પછી પાછી આવી જતી હતી. આ કારણે પરિવારે તેની ગેરહાજરીને સામાન્ય ગણી હતી.
પીટીઆઈના અહેવાલ મુજબ, પીડિતા અને આરોપીઓ એકબીજાથી પરિચિત હતા. ઘટનાની રાત્રે આરોપીઓએ એક ટેમ્પોની અંદર સાથે મળીને દારૂ પીધો હતો. તે પછી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેની છરીના ઘા ઝીંકીને હત્યા કરી મૃતદેહને ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
કેસ ઉકેલવા માટે દિલ્હી પોલીસે આસપાસના રસ્તાઓ પર લાગેલા 50થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા હતા. અંધારા અને ઓછી વિઝિબિલિટીના કારણે શરૂઆતમાં એક શંકાસ્પદ ટેમ્પોનો રજીસ્ટ્રેશન નંબર સ્પષ્ટ દેખાયો નહોતો. જોકે, રૂટ ટ્રેસ કરીને પોલીસે આખરે તે ટેમ્પોને ખડ્ડા કોલોનીમાં પાર્ક થયેલો શોધી કાઢ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકને કસ્ટડીમાં લઈ લાંબી પૂછપરછ હાથ ધરી હતી, જેના આધારે બાકીના ત્રણ શખ્સો સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
ઘટનાસ્થળ અને આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલી બે છરીઓ કબજે લેવામાં આવી છે. ગુના સમયે આરોપીઓએ પહેરેલા લોહીથી ખરડાયેલા કપડાં પણ પોલીસે જપ્ત કર્યા છે. તપાસ અધિકારીઓ એ દિશામાં પણ તપાસ ચલાવી રહ્યા છે કે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે કેમ.
પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોસ્કો) એક્ટની કલમ 6 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.