દિલ્હીમાં વધતા પ્રદૂષણ વચ્ચે 16 વર્ષના એક વિદ્યાર્થીએ એવું ઇનોવેશન કર્યું છે, જેનાથી મોંઘા એર પ્યૂરિફાયર ખરીદવાની જરૂર ઓછી થઈ શકે છે. દિલ્હીના કૃષ અગ્રવાલે તેમના મિત્ર સાથે મળીને 'પ્રોજેક્ટ વાયુ' નામની પહેલ શરૂ કરી છે. આ પ્રોજેક્ટમાં ઘરના સામાન્ય પંખા પર એક ખાસ ફિલ્ટર લગાવવામાં આવે છે, જે પંખાને એર પ્યૂરિફાયરમાં બદલી નાખે છે. આ ફિલ્ટર બનાવવાનો ખર્ચ માત્ર 140 રૂપિયા છે.
કૃષે તૈયાર કરેલા ફિલ્ટરમાં ઇલેક્ટ્રોસ્ટેટિકલી ચાર્જ થયેલા ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્ટર હવામાં રહેલા પ્રદૂષિત કણો અને ખૂબ જ નાના ધૂળના રજકણોને પકડી લે છે. પંખો ચાલુ કરતાં જ ફિલ્ટર ફૂલી જાય છે, જેથી હવા સાફ કરતું તેનું ક્ષેત્રફળ વધી જાય છે અને રૂમની હવા સાફ થતી રહે છે.
એક બંધ રૂમમાં આ ફિલ્ટરનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ પહેલાં રૂમમાં પ્રદૂષણનું સ્તર 158 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર હતું, જે ફિલ્ટર ચાલુ કર્યાના એક કલાકની અંદર ઘટીને 11 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર થઈ ગયું હતું. એટલે કે, PM2.5ના સ્તરમાં 90 ટકા સુધીનો ઘટાડો થયો હતો.
આ ફિલ્ટર્સ દિલ્હીની શાળાઓમાં બાળકો માટે મફતમાં વહેંચવામાં આવી રહ્યા છે. જરૂર પડે તો તેને સમયાંતરે બદલી પણ શકાય છે. પ્રોજેક્ટના શરૂઆતના તબક્કામાં 602 ફિલ્ટર તૈયાર કરવામાં આવ્યા હતા, જેનાથી 295 વર્ગખંડોને આવરી લેવાયા હતા અને આશરે 8,000 વિદ્યાર્થીઓને શુદ્ધ હવા મળી શકી હતી. આ સફળતા બાદ હવે દિલ્હીની વધુ 45 શાળાઓમાં આ ફિલ્ટર લગાવવાની તૈયારી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ મળ્યો છે.
કૃષના આ ઇનોવેશન બદલ તેમને 'ડાયના અવોર્ડ 2026' એનાયત કરવામાં આવ્યો છે. આ નાનકડા અને ઓછા ખર્ચાળ પ્રયાસે દર્શાવ્યું છે કે સેવાભાવ અને કુશળતા હોય તો મોટા પડકારોનો પણ ઓછા ખર્ચે ઉકેલ શક્ય છે.