સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી થપ્પડકાંડ: ભાજપ મંત્રી પ્રવેશ વર્મા સામે NCR નોંધાય, આપની ધરપકડની માંગ

દિલ્હી થપ્પડકાંડ: ભાજપ મંત્રી પ્રવેશ વર્મા સામે NCR નોંધાય, આપની ધરપકડની માંગ

દિલ્હીના વિકાસપુરી વિસ્તારમાં નવા બનેલા રોડના નિરીક્ષણ દરમિયાન એક વ્યક્તિને થપ્પડ મારવાના વિવાદમાં દિલ્હીના જાહેર બાંધકામ (PWD) મંત્રી પ્રવેશ વર્મા સામે કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. દિલ્હી પોલીસે વિકાસપુરી પોલીસ સ્ટેશનમાં સ્વેચ્છાએ ઈજા પહોંચાડવાના મામલે BNSની કલમ 115 હેઠળ નોન-કોગ્નિઝેબલ રિપોર્ટ (NCR) નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દિલ્હીના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

રવિવારે જનકપુરી ચોક અને નજફગઢ નાળા વચ્ચેના આઉટર રિંગ રોડ પર સમારકામનું નિરીક્ષણ ચાલી રહ્યું હતું. તે સમયે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જરનૈલ સિંહે રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા. આ દરમિયાન સાહિબ સિંહ નામનો વ્યક્તિ આ ઘટનાનું વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. આરોપ છે કે મંત્રી પ્રવેશ વર્માએ તેને થપ્પડ મારી અને સુરક્ષાકર્મીઓએ તેની સાથે ઝપાઝપી કરી ધમકી આપી.

આ ઘટનાને પગલે દિલ્હી પોલીસ સમક્ષ કુલ 5 અલગ-અલગ ફરિયાદો પહોંચી છે. પીડિત સાહિબ સિંહની ફરિયાદના આધારે મંત્રી પ્રવેશ વર્મા સામે NCR દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત PWDના કર્મચારીઓ તરફથી આપ ધારાસભ્ય અને અન્યો વિરુદ્ધ 2 ફરિયાદો તેમજ મંત્રી સાથે ગેરવર્તણૂક મામલે ભાજપ કાર્યકરો દ્વારા 2 ફરિયાદો વિકાસપુરી અને તિલક નગર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.

વિવાદ વધતાં મંત્રી પ્રવેશ વર્માએ દાવો કર્યો કે સરકારી અધિકારીઓને ફરજ બજાવતા અટકાવવાનો પ્રયાસ સહન કરવામાં આવશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે વીડિયો બનાવનાર વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ છે અને તેણે ઘટનાસ્થળે મંત્રી તથા તેમના પરિવાર વિરુદ્ધ વાંધાજનક શબ્દો વાપર્યા હતા. તેમણે આપ ધારાસભ્ય પર પણ કોન્ટ્રાક્ટર પાસે કમિશન માંગવાના આક્ષેપો કર્યા છે.

આ કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવી વિકાસપુરી પોલીસ સ્ટેશન બહાર ધરણા શરૂ કર્યા છે. તેમણે માંગ કરી છે કે થપ્પડ મારીને મોબાઈલ ફેંકી દેવા બદલ માત્ર NCR નહીં પરંતુ કડક કલમો હેઠળ FIR નોંધવી જોઈએ. આપે પ્રવેશ વર્માની તાત્કાલિક ધરપકડ અને તેમને મંત્રી પદેથી હટાવવાની માંગણી સાથે મોરચો ખોલ્યો છે.