દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીની ચકાસણીની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા હેઠળ ચૂંટણી પંચે 33 લાખથી વધુ મતદારોને નોટિસ મોકલી છે. આ યાદીમાં સામાન્ય લોકોની સાથે જાણીતા નેતાઓના નામ પણ છે.
ચૂંટણી પંચે જણાવ્યું કે, મતદારોએ ભરેલા ફોર્મમાં કેટલીક ભૂલો મળી હતી. તેમજ 2002ની જૂની મતદાર યાદીમાં પૂરતા રેકોર્ડ ન હોવાના કારણે આ નોટિસ મોકલવામાં આવી છે. 30 જૂનથી 17 ઓગસ્ટ વચ્ચે ઘર-ઘર સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં દરેક મતદારે ફોર્મ ભરવું જરૂરી હતું.
ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 97 લાખ મતદારો છે. તેમાંથી 33.13 લાખ મતદારોના ફોર્મમાં માહિતીમાં ભૂલ જોવા મળી છે. અત્યાર સુધીમાં 31.63 લાખથી વધુ નોટિસ મોકલી દેવામાં આવી છે.
નોટિસ મળનારાઓમાં ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી પણ છે. નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલા તેમના પરિવારના સભ્યોની વિગતો 2002ની યાદી સાથે મેળ ખાતી ન હતી. તેમના પુત્રી પ્રતિભા અને પુત્રવધૂ ગીતિકાને પણ નોટિસ મળી છે. જોકે તેમના પુત્ર જયંતની વિગતો સાચી મળી હતી.
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને તેમના પરિવારને પણ નોટિસ મોકલવામાં આવી છે. તેમના પુત્ર મીરને મોકલાયેલી નોટિસમાં તેના માતા-પિતાના નામમાં ભૂલ હોવાનું જણાવાયું છે. તેમનાં પત્ની સીમાના નામની વિગતોમાં પણ ભૂલ મળી છે.
આ ઉપરાંત અરવિંદ કેજરીવાલ, કપિલ સિબ્બલ અને રેખા ગુપ્તાને પણ નોટિસ મળી હતી. રેખા ગુપ્તાએ સમયસર દસ્તાવેજો ચકાસાવ્યા હોવાથી તેમની એન્ટ્રી માન્ય રાખવામાં આવી છે. તેમનું નામ શાલીમાર બાગ વિધાનસભા ક્ષેત્રની અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે, જે 4 નવેમ્બરે પ્રસિદ્ધ થશે.
ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું કે આ નોટિસ દાવા-વાંધા અરજી પ્રક્રિયાનો ભાગ છે. જે મતદારોને નોટિસ મળી છે, તેમણે 29 ઓક્ટોબર સુધીમાં પોતાના ચૂંટણી નોંધણી અધિકારી સમક્ષ યોગ્ય દસ્તાવેજો અને જવાબ રજૂ કરવાના રહેશે. દસ્તાવેજોની ચકાસણી પછી સાચા મતદારોનાં નામ અંતિમ યાદીમાં સામેલ થશે.