સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી SIR: અડવાણી-જયશંકર સહિત તમામ નેતાઓનું વેરિફિકેશન પૂર્ણ, કોઈનું નામ નહીં કપાય

દિલ્હી SIR: અડવાણી-જયશંકર સહિત તમામ નેતાઓનું વેરિફિકેશન પૂર્ણ, કોઈનું નામ નહીં કપાય

નવી દિલ્હી: દિલ્હીમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ નોટિસ મળેલા તમામ અગ્રણી નેતાઓ અને મતદારોનું ફિલ્ડ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચકાસણી બાદ આ તમામ મતદારોના નામ અંતિમ મતદાર યાદીમાં સામેલ કરવા માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. એટલે કે, કોઈનું પણ નામ યાદીમાંથી કપાશે નહીં.

ગણતરી ફોર્મમાં વિસંગતતાઓ જણાતાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વિદેશ મંત્રી એસ. જયશંકર, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અનેક હાઈ-પ્રોફાઇલ લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ તમામ નામો 2002માં યોજાયેલા છેલ્લા SIR પછી 'અનમેપ' થઈ ગયા હતા. મોટાભાગના અગ્રણી ચહેરાઓ નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના નોંધાયેલા મતદારો છે.

છેલ્લા કેટલાક દિવસોમાં બૂથ લેવલ ઓફિસર્સ (BLO) સહિત ચૂંટણી અધિકારીઓની વિશેષ ટીમોએ આ તમામ અગ્રણીઓના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઈને જરૂરી વિગતોની ચકાસણી કરી હતી. ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ, ચકાસણી બાદ 4 નવેમ્બરના રોજ પ્રકાશિત થનારી દિલ્હીની આખરી મતદાર યાદીમાં આ તમામ મતદારોનો સમાવેશ કરી લેવામાં આવશે.

દિલ્હીની ડ્રાફ્ટ મતદાર યાદીમાં 97 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે, જેમાંથી ગણતરી ફોર્મમાં ક્ષતિઓને કારણે અંદાજે 33.13 લાખ મતદારોને નોટિસ માટે ચિહ્નિત કરાયા હતા. આ તમામ એવા મતદારો હતા જેમનો ડેટા 2002ના SIR સાથે મેળ ખાતો ન હતો. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ સ્પષ્ટતા કરી છે કે માત્ર નોટિસ આપવાનો અર્થ નામ કમી કરવાનો નથી. કોઈપણ મતદારનું નામ રદ કરતા પહેલાં તેમને સાંભળવાની પૂર્ણ તક અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત છે.