દિલ્હીના સીમાપુરી વિસ્તારમાં સોમવારે એક ચાર માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં આઠ લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે જીટીબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાં ત્રણ વર્ષનું બાળક, એક મહિલા અને છ પુરુષોનો સમાવેશ થાય છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ન્યૂ સીમાપુરીના ઈ-બ્લોકમાં આવેલા મકાન નંબર E-401માં બની હતી. આશરે 25 વારના પ્લોટ પર બનેલી આ ઈમારત ધરાશાયી થતાં તેની અસરથી બાજુમાં આવેલા અન્ય બે મકાનોને પણ આંશિક નુકસાન પહોંચ્યું છે. ડીસીપી આર. મીણાએ જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
પોલીસે પુષ્ટિ કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારમાંથી ત્રણ વર્ષના એક બાળક સહિત કુલ સાત ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. દુર્ઘટના બની ત્યારે ઈમારતમાં કેટલા લોકો હાજર હતા અને તે પડવાનું સાચું કારણ શું છે, તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. રેસ્ક્યુ ટીમ કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને ઝડપથી બહાર કાઢવાના પ્રયાસો કરી રહી છે.
આ ઘટનાને કારણે સીમાપુરી ગોળ ચક્કર અને ડીએલએફ ભોપુરા સહિત આસપાસના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. દિલ્હી ટ્રાફિક પોલીસે નાગરિકોને આ વિસ્તાર તરફ જવાનું ટાળવા અને ઘટનાસ્થળ નજીક વાહનો ઊભા ન રાખવા તેમજ ટોળાં ન વળવા અપીલ કરી છે, જેથી એમ્બ્યુલન્સ અને રાહત ટીમો માટે રસ્તો ખુલ્લો રહી શકે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં અગાઉ 6 સપ્ટેમ્બર 2026ના રોજ સત્ય નિકેતનમાં પાંચ માળની પીજી ઈમારત તૂટી પડતાં પાંચ વિદ્યાર્થીઓ સહિત સાત લોકોનાં મોત થયાં હતાં. તે સમયે એમસીડીના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા અને જૂની ઈમારતોના સ્ટ્રક્ચરલ ઓડિટ તેમજ ગેરકાયદે બાંધકામો સીલ કરવાનો આદેશ અપાયો હતો. આ નવી ઘટનાએ ફરી એકવાર દિલ્હીમાં ઈમારતોની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.