નવી દિલ્હી: દિલ્હીના મયૂર વિહાર ફેઝ-2 સ્થિત એક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકીનું ક્લાસરૂમમાં મોત થયું છે. બાળકી તે સમયે શિક્ષિકા સાથે વાત કરી રહી હતી અને અચાનક જમીન પર પડી ગઈ હતી.
શાળાના સ્ટાફે બાળકીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચાડી હતી. બાદમાં તેને નિર્માણ વિહારની મલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પ્રાથમિક તપાસમાં ડોક્ટરોએ કાર્ડિયાક અરેસ્ટને મોતનું કારણ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ સ્પષ્ટ થશે.
શિક્ષકોએ જણાવ્યું કે બાળકી રમતના પિરિયડ પછી વર્ગખંડમાં પરત ફરી હતી અને ખૂબ થાકેલી લાગતી હતી. કંઈક કહેતી વખતે તે અચાનક જમીન પર પડી ગઈ. તેને ઊંચકીને ખુરશી પર બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે સંપૂર્ણ બેભાન હતી. જમીન પર પડવાથી તેના શરીરમાંથી લોહી વહેતું હતું.
બાળકીના પરિવારે આરોપ લગાવ્યો છે કે પૂરતી ફી ચૂકવવા છતાં શાળામાં આવી ઇમરજન્સીનો સામનો કરવા માટે યોગ્ય તબીબી વ્યવસ્થા નહોતી. પરિવારે એ પણ પૂછ્યું કે બાળકી પડી ગયા પછી તેને તરત સીપીઆર (CPR) કેમ આપવામાં ન આવ્યું.
પરિવારના સવાલના જવાબમાં પ્રિન્સિપાલે કહ્યું કે સ્ટાફને શરૂઆતમાં લાગ્યું હતું કે બાળકીના બેભાન થવાનું કારણ ચહેરા પર લાગેલી ઈજા હોઈ શકે છે. સ્ટાફ તેની હાલતનું બીજું કોઈ કારણ વિચારી શક્યો નહીં, તેથી તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં રાજસ્થાનના નાગૌરની એક ખાનગી શાળામાં પાંચમા ધોરણમાં ભણતી 9 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. બાળકી શાળાના મેદાનમાં રમતા-રમતા ઢળી પડી હતી અને હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. લગભગ ચાર મહિના પહેલાં તેના મોટા ભાઈનું પણ આવા જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તે પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો.