સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીના સત્ય નિકેતનમાં 5 માળની ઇમારત ધરાશાયી, અનેક વિદ્યાર્થીઓ દટાયા; NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી

દિલ્હીના સત્ય નિકેતનમાં 5 માળની ઇમારત ધરાશાયી, અનેક વિદ્યાર્થીઓ દટાયા; NDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી

દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે બપોરે એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ ઇમારતમાં હોસ્ટેલ ચાલતી હતી, જેમાં દિલ્હી યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ રહેતા હતા. ધરાશાયી થતાં જ અનેક વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાઈ ગયા હોવાની આશંકા છે.

ઘટના બપોરે 1:30 વાગ્યાની આસપાસ બની હતી. ઇમારત ધરાશાયી થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા અને કાટમાળ હટાવવા લાગ્યા. બચાવ કામગીરી માટે એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. સાંકડી ગલી હોવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

અત્યાર સુધીમાં ઘણા વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઘાયલોને સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણકારી મળતાં જ દિલ્હી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આસપાસની અન્ય ઇમારતોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાલી કરાવવામાં આવી છે.

ભાજપના ધારાસભ્ય અનિલ શર્માએ જણાવ્યું કે, ઇમારતમાં કેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દટાયા હોવાની શક્યતા છે. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જે ઇમારત ધરાશાયી થવાનું કારણ બની શકે છે.