સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીના સત્ય નિકેતનમાં ઈમારત ધરાશાયી: 6 બચાવાયા, રાજકીય નેતાઓએ તપાસની માંગ કરી

દિલ્હીના સત્ય નિકેતનમાં ઈમારત ધરાશાયી: 6 બચાવાયા, રાજકીય નેતાઓએ તપાસની માંગ કરી

નવી દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં શનિવારે એક જૂની ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં અનેક લોકોના દબાઈ જવાની ભીતિ સર્જાઈ છે. આ ઈમારત આશરે 40 થી 50 વર્ષ જૂની હતી અને તેનો ઉપયોગ પેઇંગ ગેસ્ટ (PG) તરીકે થતો હતો. બચાવ દળોએ અત્યાર સુધીમાં છ લોકોને સલામત બહાર કાઢ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ઈમારતના બેઝમેન્ટમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક આખી ઈમારત તૂટી પડી હતી. આ ઘટના બાદ રાષ્ટ્રીય આપદા રાહત દળ (NDRF), ફાયર બ્રિગેડ અને અન્ય બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સર્ચ અને રેસ્ક્યુ કામગીરી ચાલુ છે.

આ દુર્ઘટનાને પગલે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ તંત્ર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. કેજરીવાલે કહ્યું કે, “આ ઘટના સરકારની નિષ્ફળતા છે. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી સરકારની ફરજ છે.” તેઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે આવી જોખમી ઈમારતોને ઓળખીને તેને તોડી પાડવાની કાર્યવાહી કેમ ન કરાઈ?

કોંગ્રેસ નેતાઓએ પણ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, “કાટમાળ હેઠળ દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દબાયા હોવાના અહેવાલ અત્યંત ચિંતાજનક છે. બચાવ ટુકડીઓ યુદ્ધના ધોરણે કામ કરીને દરેક વિદ્યાર્થી સુધી પહોંચે.” તેમણે ઉમેર્યું કે, “કોલેજો અને યુનિવર્સિટીઓમાં યોગ્ય હોસ્ટેલની અછતને કારણે વિદ્યાર્થીઓ અમાનવીય સ્થિતિમાં રહેવા મજબૂર છે. એક જ PGમાં 40-40 વિદ્યાર્થીઓ રહે છે. આ સ્થિતિ બદલવી પડશે.”

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે, “આ દુર્ઘટના ટાળી શકાય તેવી હતી. વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઘડવા દિલ્હી આવે છે, પણ માથા પર છત મેળવવા તેમને જીવ જોખમમાં મૂકવો પડે છે. આ ઘટનાની જવાબદારી કમિશનર, મેયર અને ઉપરાજ્યપાલ સુધી નક્કી થવી જોઈએ.” કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કાટમાળમાં ફસાયેલા તમામ લોકોની સલામતી માટે પ્રાર્થના કરી છે અને બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવા જણાવ્યું છે.

દિલ્હી કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવે આક્ષેપ કર્યો કે, “આ ઈમારત અગાઉ સીલ કરવામાં આવી હતી, પરંતુ એક મહિના પહેલાં કોના આદેશથી સીલ ખોલવામાં આવ્યું તેની જવાબદારી MCD અને દિલ્હી સરકારે નક્કી કરવી જોઈએ.” રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ કહ્યું કે હોસ્ટેલની અછતને કારણે વિદ્યાર્થીઓ જોખમી ઈમારતોમાં રહેવા મજબૂર છે, જે તેમની સુરક્ષા સાથે ગંભીર ચેડાં છે.

આ ઘટનાને પગલે વિપક્ષી નેતાઓએ દિલ્હી સરકાર અને MCD પર આરોપ લગાવ્યો છે કે તેઓએ ઈમારતોની સલામતી અંગે ગંભીરતા દાખવી નથી. હોસ્ટેલ અને PGની વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. ઘટનાની તપાસ અને રાહત કાર્યની વિગતો માટે સમાચાર અપડેટ કરવામાં આવશે.