દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાં પહેલીવાર ડીપ બ્રેઇન સ્ટીમ્યુલેશન (DBS) સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. પાર્કિન્સન રોગથી પીડિત નેપાળની 55 વર્ષીય મહિલા દર્દીના મગજમાં 'બ્રેઇન પેસમેકર' પ્રત્યારોપિત કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના વડાની દેખરેખ હેઠળ આ જટિલ સર્જરી પાર પાડવામાં આવી હતી.
તબીબોના જણાવ્યા અનુસાર, આ સર્જરી બાદ દર્દીની સ્થિતિ સ્થિર છે. નેપાળનાં આ મહિલા અધિકારી પાર્કિન્સનને કારણે હાથ-પગમાં ધ્રૂજારી, ચાલવામાં તકલીફ અને સંતુલન ગુમાવવાની સમસ્યાથી પીડાતાં હતાં. તે છેલ્લા છ મહિનાથી મેડિકલ રજા પર હતાં.
આ સર્જરી સવારે 9 વાગ્યે શરૂ થઈને સાંજે લગભગ 5:30 વાગ્યે પૂરી થઈ હતી. આ ઓપરેશનમાં ન્યુરોસર્જરી ટીમ ઉપરાંત એનેસ્થેસિયા અને અન્ય વિભાગોના નિષ્ણાત તબીબોએ પણ ભાગ લીધો હતો.
DBS એ ન્યુરોસર્જિકલ પ્રક્રિયા છે જેમાં મગજના ચોક્કસ ભાગોમાં ઝીણા ઇલેક્ટ્રોડ્સ (વાયર) મૂકવામાં આવે છે. આ વાયર મગજની હલનચલન નિયંત્રિત કરતા કેન્દ્રોમાં સ્થાપિત કરવામાં આવે છે. ત્યારબાદ છાતી કે પેટની ચામડી નીચે બેટરીથી ચાલતું નાનું ઉપકરણ (પલ્સ જનરેટર) લગાવવામાં આવે છે. આ ઉપકરણ વાયર દ્વારા મગજને નિયંત્રિત વિદ્યુત સંકેત મોકલે છે, જેથી મગજની અસામાન્ય ગતિવિધિ અને ધ્રૂજારી જેવા લક્ષણો નિયંત્રિત થાય છે.
ખાનગી હોસ્પિટલોમાં DBS સર્જરીનો ખર્ચ અંદાજે ₹30 લાખ થાય છે, જ્યારે RML જેવી સરકારી હોસ્પિટલમાં આ સારવાર ઓછા ખર્ચે ઉપલબ્ધ છે. આ સર્જરીની ખાસ વાત એ છે કે ઓપરેશન બાદ દર્દીની પાર્કિન્સનની દવાઓ પરની નિર્ભરતા ઘટે છે અને સામાન્ય રીતે એકથી છ મહિનામાં સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે.