દિલ્હીના બે મોટા રેલવે સ્ટેશનો પર ડિજિટલ લગેજ લોકરની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝને નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર આ સેવા શરૂ કરી છે. દિલ્હી જંકશન અને આનંદ વિહાર ટર્મિનલ પર પણ ટૂંક સમયમાં તેનો પ્રારંભ થશે.
આ સુવિધાનો મુખ્ય ફાયદો એ છે કે મુસાફરોને હવે સ્ટેશન પર ભારે સામાન સાથે ફરવાની જરૂર નહીં પડે. કનેક્ટિંગ ટ્રેનની લાંબી રાહ જોતા હોય કે થોડા કલાકો માટે શહેર ફરવા જવું હોય, તો પણ સામાન સુરક્ષિત રીતે લોકરમાં મૂકી શકાશે. અગાઉ ક્લોકરૂમમાં લાંબી લાઈનો, કાગળી કાર્યવાહી અને ચોરીની ચિંતા રહેતી હતી, જે હવે દૂર થશે.
લોકર બુક કરવા માટે મુસાફરે કિયોસ્ક મશીન પર પોતાનો મોબાઈલ નંબર નાખી ઓટીપી વેરિફાય કરવો પડશે. ત્યારબાદ સામાનની સાઈઝ અને સમય પસંદ કરી, Google Pay, Paytm કે PhonePe જેવા ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાની રહેશે. પેમેન્ટ થતાં જ લોકર ખૂલી જશે.
સામાન પાછો લેવા માટે ફરીથી મોબાઈલ નંબર દાખલ કરી ઓટીપી વેરિફાય કરવો પડશે. સ્ક્રીન પર દેખાતા 'Release' વિકલ્પ પર ક્લિક કરતાં લોકર આપમેળે અનલોક થઈ જશે.
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 16 પાસેના મેઈન હોલમાં ડિજિટલ ડિસ્પ્લે બોર્ડની નીચે આ લોકર ગોઠવવામાં આવ્યા છે. હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર મુખ્ય એન્ટ્રી ગેટ પાસે સીડીઓની બાજુમાં આ સુવિધા ઉપલબ્ધ છે. બંને સ્ટેશનો પર આ સિસ્ટમ 24 કલાક, સાતેય દિવસ કાર્યરત રહેશે.