સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોથી વેપાર ઠપ, વેપારીઓને કરોડોનું નુકસાન

દિલ્હીમાં વિરોધ પ્રદર્શનોથી વેપાર ઠપ, વેપારીઓને કરોડોનું નુકસાન

દિલ્હીમાં તહેવારોની મોસમ દરમિયાન ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને રેલીઓથી શહેરના મુખ્ય વેપારી વિસ્તારોમાં વેપાર પર ગંભીર અસર પડી છે. કનોટ પ્લેસ, ચાંદની ચોક અને બંગાળી માર્કેટ જેવા વિસ્તારોમાં ધંધો લગભગ ઠપ થઈ ગયો છે. વેપારીઓએ તહેવારો માટે મોટા પ્રમાણમાં સ્ટોક ભર્યો હતો, પરંતુ સતત ચાલતા આંદોલનોને કારણે બજારો સુમસામ બની ગયા છે.

ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)ના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ અડલખાએ જણાવ્યું છે કે 16 ઓક્ટોબરના રોજ યોજાનારા વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તેમના સંગઠને કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે ચેતવણી આપી હતી કે 10 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શનમાં વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો અને વેપારીઓને રૂ. 2,000 કરોડથી વધુનું નુકસાન વેઠવું પડ્યું હતું. જો ફરીથી આવું થશે તો વેપાર સંપૂર્ણપણે ભાંગી પડશે.

નવી દિલ્હી ટ્રેડર્સ એસોસિએશન (NDTA)ના પ્રમુખ અતુલ ભાર્ગવે જણાવ્યું કે કનોટ પ્લેસ, જનપથ, પાલિકા બજાર, મોહન સિંહ પ્લેસ, મ્યુનિસિપલ માર્કેટ અને શંકર માર્કેટ સહિતના વિસ્તારોમાં દરરોજ અંદાજે રૂ. 100 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 4-5 દિવસમાં વેપાર સામાન્ય દિવસોની સરખામણીએ માત્ર 15થી 25% જેટલો જ રહ્યો છે. જે રેસ્ટોરન્ટમાં રોજના રૂ. 1.25 લાખથી રૂ. 1.5 લાખનું વેચાણ થતું હતું, ત્યાં માંડ રૂ. 10,000 થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે તેમની 56 વર્ષની ઉંમરમાં તેમણે આવા કપરા દિવસો ક્યારેય જોયા નથી.

બંગાળી માર્કેટ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ મુકેશ ગુપ્તાએ જણાવ્યું કે જુલાઈ મહિનાથી તેમનો વેપાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. આ માર્કેટમાં મંત્રીઓ અને હાઈ-પ્રોફાઈલ લોકો આવતા હોય છે, પરંતુ વિરોધ પ્રદર્શનોના કારણે સ્થાનિક વેપાર લગભગ શૂન્ય પર પહોંચી ગયો છે. એસોસિએશનના જનરલ સેક્રેટરી પ્રમોદ કુમાર ગુપ્તાએ ઉમેર્યું કે ધંધો 70થી 80% ઘટી ગયો છે. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર દશેરા અને દિવાળીની પીક સીઝન છે. જો વેપાર ઠપ રહેશે તો સરકારને GST અને ઇન્કમટેક્સની આવકમાં પણ મોટો ફટકો પડશે તેમજ વેપારીઓએ સ્ટાફની છટણી કરવાની ફરજ પડશે. તેમણે આવા પ્રદર્શનો શહેરની બહાર યોજવાની માંગ કરી છે.

દિલ્હી વેપાર મહાસંઘના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેન્દ્ર કપૂરે જણાવ્યું કે તહેવારોની મોસમમાં રાજકીય પક્ષોના વિરોધ પ્રદર્શનોને કારણે અરાજકતાનો માહોલ સર્જાયો છે, જેના લીધે વેપાર કરવો અશક્ય બની ગયો છે. જે વેપારીઓએ લાખો-કરોડો રૂપિયાની મૂડી રોકી છે તેમની પાસે આ સીઝનનો માલ પડી રહેશે અને આગામી સીઝનમાં ફેશન-ડિઝાઇન બદલાઈ જવાથી તે વેચાશે નહીં. તેમણે ભય વ્યક્ત કર્યો કે ઘણા વેપારીઓ દેવાળિયા બની જશે અને હતાશામાં કોઈ આત્યંતિક પગલું પણ ભરી શકે છે.

દિલ્હી ડ્રગ ટ્રેડર્સ એસોસિએશનના સેક્રેટરી આશિષ ગ્રોવરે માહિતી આપી કે વારંવારના વિરોધ પ્રદર્શનોથી કંટાળીને વેપારીઓએ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ચાલી રહી છે.