નવી દિલ્હી: મતદાર યાદીમાં ફેરફાર (SIR) અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને દેશમાં ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનોને વિશ્વભરના મીડિયાએ ટોચના સમાચારોમાં સ્થાન આપ્યું છે.
કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિપક્ષી પક્ષો દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલા પ્રદર્શનને લઈને અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂયોર્ક ટાઇમ્સ' (NYT), 'વોશિંગ્ટન પોસ્ટ', 'CNN', કતારના 'અલ-જઝીરા' અને હોંગકોંગના 'સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ' સહિતની આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ આ ઘટનાને મહત્ત્વ આપીને કવર કરી છે.
ન્યૂયોર્ક ટાઇમ્સ: વિપક્ષ ફરી સક્રિય
ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, ભારતમાં એક સમયે નબળો પડી ગયેલો વિપક્ષ હવે ફરી એક્ટિવ થતો દેખાઈ રહ્યો છે. વિપક્ષી દળો યુવાનોના આંદોલનથી ઊભી થયેલી રાજકીય જગ્યાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અખબારના જણાવ્યા અનુસાર, શનિવારે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની રાજધાની એક કિલ્લામાં ફેરવાઈ ગઈ હતી. ભારતીય અધિકારીઓએ જરૂર કરતાં વધુ બળનો ઉપયોગ કર્યો, તો દેશના યુવાનોએ પણ એટલી જ તાકાતથી તેનો વિરોધ કર્યો.
NYTએ લખ્યું છે કે મોદી સમર્થકો અગાઉ વિરોધીઓના પ્રદર્શનને નબળું ગણાવીને અથવા તેમને 'દેશદ્રોહી' કહીને તેમનો વિરોધ દબાવવાનો પ્રયાસ કરતા રહ્યા છે. પરંતુ આ આંદોલનમાં સમાજના અલગ-અલગ વર્ગોના લોકો સામેલ છે. તેના કારણે સરકાર માટે પ્રદર્શનકારીઓને એ જ રીતે નિશાન બનાવવા મુશ્કેલ થઈ રહ્યું છે. અખબાર મુજબ, પોલીસની કાર્યવાહીને કારણે મોદીની લોકતાંત્રિક નેતા તરીકેની છબીને ઝટકો લાગ્યો છે.
વોશિંગ્ટન પોસ્ટ: મોદી અને CEC સામે રોષ
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે લખ્યું કે ભારતમાં યુવાનોના વિરોધ-પ્રદર્શન વચ્ચે PM મોદી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ગુસ્સો વધી રહ્યો છે.
મતદાર યાદીમાં ફેરફારના વિરોધમાં આંદોલન કરી રહેલા યુવાનોએ દિલ્હીમાં પ્રદર્શનની જાહેરાત કરી હતી, પરંતુ પોલીસે જંતર-મંતર પહોંચતા પહેલાં જ અનેક નેતાઓ, વિપક્ષી સાંસદો અને વિદ્યાર્થી કાર્યકરોને કસ્ટડીમાં લઈ લીધા. પોલીસે દિલ્હીમાં સુરક્ષા વધારી, અનેક સ્થળોએ બેરિકેડિંગ કરી અને વાહનોની તપાસ કરી.
આ આંદોલન એવા સમયે તેજ બન્યું છે, જ્યારે અગાઉ પેપર લીકના મુદ્દે થયેલા યુવા પ્રદર્શનો બાદ જુલાઈમાં શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું.
CNN: CJP માટે પણ મોટી પરીક્ષા
અમેરિકન અખબાર CNN લખે છે કે કેટલાંક અઠવાડિયાં સુધી ધરણાં અને માર્ચ ચાલ્યા બાદ જુલાઈમાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું હતું. આ મોદી સરકાર માટે એક રાજકીય આંચકો હતો.
વિપક્ષી દળો પણ સરકારને આ પ્રકારનો આંચકો આપી શક્યા નહોતા. હવે મુખ્ય ચૂંટણી કમિશનર સામે થઈ રહેલું પ્રદર્શન CJP માટે એક પરીક્ષા છે. પાર્ટી એ જોવા માગે છે કે શું શિક્ષણ મંત્રીના રાજીનામા માટે અપનાવવામાં આવેલી તેની સફળ વ્યૂહરચનાને દેશની ચૂંટણી વ્યવસ્થા જેવા મોટા મુદ્દા પર પણ પુનરાવર્તિત કરી શકાય છે.
સાઉથ ચાઇના પોસ્ટ: ચૂંટણી પ્રક્રિયા પર સવાલ
હોંગકોંગના અખબાર સાઉથ ચાઇના પોસ્ટે લખ્યું છે કે મતદાર યાદીમાંથી આશરે 13 કરોડ નામો દૂર કરવામાં આવ્યાના સમાચાર બાદ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે મતદાર યાદીમાં ફેરફારથી ભાજપને ફાયદો થઈ શકે છે.
શનિવારે દિલ્હીમાં પ્રદર્શન રોકવા માટે હજારો પોલીસ અને અર્ધલશ્કરી જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, ઘણા મેટ્રો સ્ટેશનો અને બજારો બંધ રહ્યા હતા અને 2,000થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. અહેવાલમાં આ વિરોધને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અત્યાર સુધીના ગંભીર રાજકીય પડકારોમાંનો એક ગણાવવામાં આવ્યો છે.
અલ જઝીરા: PM મોદી માટે સૌથી ગંભીર પડકાર
અલ જઝીરાએ વિરોધ પ્રદર્શનને લઈને લખ્યું છે કે આ પીએમ મોદી અને તેમની સરકાર માટે અત્યાર સુધીના સૌથી ગંભીર પડકારોમાંના એક છે. ગયા અઠવાડિયે ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ બાદ વિરોધ વધુ ઉગ્ર બની ગયો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બે ચૂંટણી કમિશનરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે મતદાર યાદીમાં કરેલા ફેરફારો પર સવાલ ઉઠાવ્યા હતા. આ ફેરફારોને કારણે મતદાર યાદીમાંથી લગભગ 13 કરોડ નામ હટાવી દેવામાં આવ્યા હતા.
ભાજપનું કહેવું છે કે ચૂંટણીમાં તેની સફળતા મોદી લોકપ્રિયતા અને ભારતની આર્થિક પ્રગતિ દર્શાવે છે. પાર્ટીએ વિપક્ષ પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.