સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી વિરોધ પ્રદર્શન: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને શો-કોઝ નોટિસ ફટકારી, બેરિકેડ્સ હટાવવા અને ઇન્ટરનેટ ચાલુ કરવા આદેશ

દિલ્હી વિરોધ પ્રદર્શન: સુપ્રીમ કોર્ટે કેન્દ્રને શો-કોઝ નોટિસ ફટકારી, બેરિકેડ્સ હટાવવા અને ઇન્ટરનેટ ચાલુ કરવા આદેશ

દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે અદાલતના આદેશોનું ઉલ્લંઘન થયાનું ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સરકારને શો-કોઝ નોટિસ પાઠવીને પૂછ્યું છે કે પ્રશાસન સામે તિરસ્કારની કાર્યવાહી કેમ ન ચલાવવી જોઈએ. સરકારે 13 ઓક્ટોબર, મંગળવાર સુધીમાં જવાબ રજૂ કરવાનો રહેશે.

જસ્ટિસ બાગચીની ખંડપીઠે સુનાવણી દરમિયાન તંત્રને 9 ઓક્ટોબરના આદેશની યાદ અપાવી હતી, જેમાં મેટ્રો અચાનક બંધ ન કરવા અને લોકોની અવરજવર ન રોકવા જણાવાયું હતું. કોર્ટે બંધારણની કલમ 19(2) હેઠળ મેટ્રોનું નિયમિત સંચાલન ચાલુ રાખવા, તમામ બેરિકેડ્સ હટાવવા અને સ્થગિત કરાયેલી ઇન્ટરનેટ સેવાઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યો છે.

જસ્ટિસ બાગચીએ ભારપૂર્વક જણાવ્યું કે, “અમે કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ નથી, પરંતુ નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન સહન નહીં થાય.”

સુનાવણી દરમિયાન વકીલોએ દલીલ કરી હતી કે ગતરોજ દિલ્હીમાં નાગરિકોને ઊભા રહેવાની પણ મંજૂરી નહોતી. વરિષ્ઠ વકીલ કે. કે. વેણુગોપાલ અને ગોપાલ શંકરનારાયણને જણાવ્યું હતું કે જંતર-મંતરની બહાર સામાન્ય લોકો અને વકીલો સામે બળપ્રયોગ કરાયો તેમજ 6 થી 7 હજાર લોકોની અટકાયત કરવામાં આવી.

સામે પક્ષે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે તમામ અટકાયતો કાયદાના દાયરામાં કરવામાં આવી હતી અને રાત્રે 10 વાગ્યાથી તમામ મેટ્રો સ્ટેશનો ખોલી દેવાયા છે. જોકે કોર્ટે સરકારને વિસ્તૃત પાલન સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે, જેમાં 45 મેટ્રો સ્ટેશનો કયા કારણોસર બંધ રખાયા હતા તે સ્પષ્ટ કરવાનું જણાવાયું છે. આ અરજીઓ પર વધુ સુનાવણી સોમવારે હાથ ધરાશે.