સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં ધરણા-પ્રદર્શન પર નવા નિયમો: રામલીલા મેદાનમાં 50,000 લોકોની મર્યાદા, સમય પણ નક્કી

દિલ્હીમાં ધરણા-પ્રદર્શન પર નવા નિયમો: રામલીલા મેદાનમાં 50,000 લોકોની મર્યાદા, સમય પણ નક્કી

દિલ્હીમાં ધરણા-પ્રદર્શન અને મોટી રેલીઓ માટે નવા નિયમો લાગુ થવાના આરે છે. દિલ્હી પોલીસે રામલીલા મેદાન સહિતના સ્થળોએ યોજાતી જનસભાઓ અને પ્રદર્શનોને વ્યવસ્થિત કરવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી છે. આ ડ્રાફ્ટ હાલ મંજૂરી માટે પોલીસ હેડક્વાર્ટર મોકલવામાં આવ્યો છે. મંજૂરી મળ્યા બાદ દિલ્હીના તમામ પ્રદર્શન સ્થળો પર આ નવી ગાઇડલાઇન ચુસ્તપણે લાગુ કરવામાં આવશે.

નવા પ્રસ્તાવિત નિયમો મુજબ, રામલીલા મેદાનમાં એક સમયે મહત્તમ 50,000 લોકોને જ એકઠા થવાની પરવાનગી મળશે. જોકે, કાર્યક્રમમાં કેટલા લોકો સામેલ થઈ શકશે તેનો અંતિમ નિર્ણય કાર્યક્રમના સ્વરૂપ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ લેશે. જરૂર જણાય તો 50,000થી ઓછી સંખ્યાની પણ મંજૂરી મળી શકે છે.

આયોજકોએ ઓછામાં ઓછા 10 દિવસ અગાઉ અરજી કરવાની રહેશે અને 'વેન્યુ અવેલેબિલિટી સર્ટિફિકેટ' લેવું ફરજિયાત બનશે. પ્રદર્શનનો સમય પણ નક્કી કરાયો છે — કાર્યક્રમ ફક્ત સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ યોજી શકાશે. આયોજકોએ ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા માટે પોલીસ સાથે સંકલન કરવું પડશે. રસ્તા, ફૂટપાથ કે ઈમરજન્સી રૂટ બ્લોક કરવાની મંજૂરી મળશે નહીં. હથિયારો, જ્વલનશીલ પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જ્યારે ડ્રોન ઉડાડવા માટે પણ અગાઉથી મંજૂરી લેવી પડશે.

દિલ્હીનું રામલીલા મેદાન ઐતિહાસિક રીતે મોટા આંદોલનો અને રાજકીય રેલીઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. પરંતુ અહીં ભેગી થતી વિશાળ ભીડને કારણે આસપાસના વિસ્તારોમાં ભારે ટ્રાફિક સર્જાય છે, સ્થાનિક રહેવાસીઓને હાલાકી ભોગવવી પડે છે અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. આ સમસ્યાઓના ઉકેલ માટે દિલ્હી પોલીસે આ વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું છે. પોલીસ હેડક્વાર્ટરની મંજૂરી મળતાં જ દિલ્હીમાં ધરણા-પ્રદર્શનનો નવો તબક્કો આ કડક નિયમો સાથે શરૂ થશે.