દિલ્હી-NCRમાં દિવાળી પહેલા વધી રહેલા વાયુ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્ત્વની સુનાવણી કરી. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી. વરાલેની બેન્ચે સરકારને પ્રદૂષણ નિયંત્રણ અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિરાટ કોહલી જેવી જાણીતી હસ્તીઓની મદદ લેવાનો સુઝાવ આપ્યો.
સુનાવણી દરમિયાન બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું કે માત્ર કાગળ પર આદેશો જાહેર કરવાથી આ સમસ્યા ઉકેલાશે નહીં. પ્રદૂષણ નિયંત્રણમાં તમામ નાગરિકોનો સહયોગ જરૂરી છે અને તે માટે જનજાગૃતિ ફેલાવવી અત્યંત મહત્ત્વની છે. કોર્ટે પૂછ્યું કે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિરાટ કોહલી જેવા પ્રખ્યાત ખેલાડીઓ અને જાણીતી હસ્તીઓની મદદ કેમ નથી લેવામાં આવતી. સાથે જ અધિકારીઓને જમીની સ્તર પર ઉતરીને કામગીરી કરવા નિર્દેશ પણ આપ્યો.
સુનાવણીમાં દિલ્હી સરકાર અને સીએક્યુએમ (CAQM) વતી ઐશ્વર્યા ભાટીએ કોર્ટને આશ્વાસન આપ્યું કે પ્રદૂષણ સામે લડવા તંત્ર પૂરી રીતે તૈયાર છે. નવેમ્બર મહિનાથી જૂના વાહનો પર રોક, બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ તેમજ દિલ્હીમાં ઓફિસોના સમયમાં ફેરફાર જેવા કડક પગલાં લાગુ કરાશે.
ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુદ્દે કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાના પક્ષમાં નથી, કારણ કે તે લોકોની લાગણીઓ પણ સમજે છે. પરંતુ જીવજંતુ અને પર્યાવરણ સાથે જોડાયેલા આ ગંભીર મુદ્દાને ગંભીરતાથી લેવો પડશે અને નિયમોનું પાલન કરાવવું પડશે. ફટાકડામાં બેરિયમના ઉપયોગ અંગે આંતરિક સમીક્ષા માટે કેન્દ્ર સરકારે ત્રણ અઠવાડિયાનો સમય માંગ્યો હતો, જે કોર્ટે સ્વીકારી લીધો છે.