સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં દિવાળીની રાતે પ્રદૂષણ 3000 સુધી, 36 સ્ટેશનોના ડેટા ગાયબ

દિલ્હીમાં દિવાળીની રાતે પ્રદૂષણ 3000 સુધી, 36 સ્ટેશનોના ડેટા ગાયબ

દિલ્હીમાં દિવાળીની રાત્રે હવાનું પ્રદૂષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું હતું. જોકે, મોટાભાગનાં પ્રદૂષણ મોનિટરિંગ સ્ટેશનો પરથી આંકડા ગાયબ થઈ જતાં તેમની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) દ્વારા જાહેર કરવામાં આવેલા મર્યાદિત આંકડા દર્શાવે છે કે સોમવારે વહેલી સવારે હવામાં પાર્ટિક્યુલેટ મેટર (PM)નું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં અનેકગણું વધી ગયું હતું. પ્રદૂષણનું સ્તર 3000 સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

હવામાં PM2.5ની અનુમતિપાત્ર મર્યાદા પ્રતિ ઘન મીટર 60 માઇક્રોગ્રામ અને PM10ની મર્યાદા પ્રતિ ઘન મીટર 100 માઇક્રોગ્રામ છે. તેની સરખામણીએ દિવાળીની રાત્રે પ્રદૂષણનું સ્તર વધીને 3000 સુધી પહોંચી ગયું હતું. આ આંકડા દિલ્હીની હવાની ગંભીર સ્થિતિ દર્શાવે છે.

દિવાળીની રાત્રે પ્રદૂષણના આંકડા ઉપલબ્ધ ન હોવાની સ્થિતિએ પણ ચિંતા વધારી છે. રવિવારે સાંજે 7 વાગ્યા સુધી માત્ર એક મોનિટરિંગ સ્ટેશનના આંકડા મળી રહ્યા નહોતા. જોકે, મધરાત બાદ આ સંખ્યા વધીને 36 થઈ ગઈ હતી. પરિણામે દિલ્હીમાં પ્રદૂષણની વાસ્તવિક સ્થિતિનો અંદાજ મેળવવો મુશ્કેલ બન્યો હતો. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર (CREA)ના વિશ્લેષક મનોજ કુમારના જણાવ્યા અનુસાર, દિવાળીની રાત્રિના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા હજુ પણ ઉપલબ્ધ નથી.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અનેક અભ્યાસોમાં સામે આવ્યું છે કે PM2.5નું પ્રમાણ વધવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકની શક્યતા વધી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે હવાનું વધેલું પ્રદૂષણ વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે.