દિલ્હીમાં 10 ઓક્ટોબરે યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન મેટ્રો અને ટ્રેન સેવાઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો અંગે દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે. દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને અલગ-અલગ સોગંદનામાં રજૂ કરીને જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલાં અનિવાર્ય હતાં.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણીમાં આ સોગંદનામાં રજૂ કરવામાં આવ્યાં. સુપ્રીમ કોર્ટે અગાઉ આ મામલે અવમાનનાની નોટિસ પાઠવી હતી.
પોલીસ કમિશનર અનુરાગ કુમારે સોગંદનામામાં જણાવ્યું કે, ઈન્ટેલિજન્સ ઈનપુટ અને જમીની પરિસ્થિતિના આધારે 10 ઓક્ટોબરે અગમચેતી રૂપે આ પગલાં લેવામાં આવ્યાં હતાં. સમયસર યોગ્ય કાનૂની કાર્યવાહી કરવાથી મોટી કાયદો અને વ્યવસ્થાની કટોકટી ટાળી શકાઈ હતી. દિલ્હી દેશની રાજધાની હોવાથી સુરક્ષા વ્યવસ્થાને તે સંદર્ભમાં જોવી જરૂરી છે.
કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને પણ બિનશરતી માફી માંગી હતી. તેમણે સોગંદનામામાં જણાવ્યું કે, દિલ્હી પોલીસ તરફથી 10 ઓક્ટોબરે રાત્રે 10 વાગ્યા સુધી મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ રાખવાની વિનંતી મળી હતી. પરિસ્થિતિની ગંભીરતા અને જાહેર વ્યવસ્થા ખોરવાતી રોકવા માટે આ વિનંતી કાયદેસર અને જરૂરી લાગતાં મંજૂર કરવામાં આવી હતી.
કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા મંજૂરી વિના જાહેર કરાયેલા આ પ્રદર્શનને રોકવા માટે દિલ્હી આવતી ડઝનબંધ ટ્રેનો રદ કરવામાં આવી હતી અને 57 મેટ્રો સ્ટેશનોના ગેટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. સુપ્રીમ કોર્ટે સામાન્ય જનતાને તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવવા નિર્દેશ આપતાં બંધ ગેટવાળા મેટ્રો સ્ટેશનો ઘટાડીને 45 કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવી દિલ્હીમાં 4 કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ રાખવામાં આવી હતી.
અદાલતના સ્પષ્ટ નિર્દેશ છતાં મેટ્રો અને ટ્રેન સેવાઓ પ્રભાવિત થતાં અરજદારોએ ફરી સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી. સુપ્રીમ કોર્ટે 11 ઓક્ટોબરે આ મામલે પ્રથમ દૃષ્ટિએ અવમાનનાનો કેસ બનતો હોવાનું માનીને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર અને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશનના અધ્યક્ષ ડી. થારાને નોટિસ પાઠવી હતી.