સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં તિરંગા યાત્રા માટે નીકળતાં સીજેપી પ્રમુખ અભિજિત દીપકેની પોલીસ દ્વારા અટકાયત

દિલ્હીમાં તિરંગા યાત્રા માટે નીકળતાં સીજેપી પ્રમુખ અભિજિત દીપકેની પોલીસ દ્વારા અટકાયત

દિલ્હી પોલીસે સીજેપી (CJP) પ્રમુખ અભિજિત દીપકેની ધરપકડ કરી છે. તેઓ પોતાના ઘરેથી તિરંગા યાત્રા કાઢીને કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્ક તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. પોલીસે સવારે જ તેમને દિલ્હી પોલીસ એક્ટ હેઠળ નોટિસ આપી હતી, છતાં તેઓ સેન્ટ્રલ પાર્ક જવા માટે મક્કમ રહ્યા હતા. જેના કારણે પોલીસે તેમની અટકાયત કરી હતી.

અટકાયત સમયે અભિજિત દીપકેએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, "હું એકલો છું અને એકલો જ જઈ રહ્યો છું. હું હજુ સેન્ટ્રલ પાર્ક પહોંચ્યો પણ નથી, તો મને કેમ રોકવામાં આવી રહ્યો છે? મેં શું કર્યું છે?" તેઓ પોલીસને વારંવાર પૂછતા રહ્યા કે પ્રદર્શન માટે તેમણે ક્યાં જવું જોઈએ.

આ પહેલાં પણ દિલ્હી પોલીસે અભિજિત દીપકેની દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરી હતી. તે સમયે અદાલતે તેમને 50,000 રૂપિયાના પીસ બોન્ડ પર મુક્ત કર્યા હતા અને એક વર્ષ સુધી શાંતિ ભંગ ન કરવાની તાકીદ કરી હતી.

અભિજિતની અટકાયત બાદ પણ તેમની પાર્ટી સીજેપીએ તિરંગા માર્ચ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. પાર્ટીએ સમર્થકોને અપીલ કરી છે કે તેઓ 5 કરતાં ઓછા લોકોના જૂથમાં કનોટ પ્લેસ પહોંચે, રાષ્ટ્રધ્વજ લહેરાવે, ફોટા ખેંચાવે અને શાંતિપૂર્ણ રીતે ત્યાંથી નીકળી જાય. પાર્ટીએ સોશિયલ મીડિયા પર #LeharaDoTiranga હેશટેગ સાથે સંદેશ આપ્યો કે દેશનો તિરંગો લહેરાવવો કોઈ ગુનો નથી.