દિલ્હી પોલીસે 10 ઑક્ટોબરે CJP તરફથી જંતર-મંતર પર યોજાનારા પ્રસ્તાવિત પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સંગઠને નિયત પ્રક્રિયા મુજબ અરજી કરી ન હતી અને ભૂતકાળમાં તેના કાર્યક્રમો દરમિયાન કાયદો-વ્યવસ્થાનો ભંગ થયો હતો, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી જિલ્લાના DCP તરફથી CJPના પદાધિકારીઓને મોકલવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે સંગઠને 10 ઑક્ટોબરે સવારે 10 વાગ્યાથી દિવસના અંત સુધી જંતર-મંતર પર પ્રદર્શન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે, આ પત્ર નિર્ધારિત પ્રક્રિયા હેઠળની મંજૂરી અરજી નહોતો. નિયમો અનુસાર, જંતર-મંતર પર કોઈ કાર્યક્રમ યોજવા માટે ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં અરજી કરવી જરૂરી છે.
પોલીસ પત્રમાં ભૂતકાળના કાર્યક્રમોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે સંગઠન અને તેનાથી જોડાયેલા લોકોના પહેલાંના કાર્યક્રમોમાં કાનૂની સૂચનાઓનું પાલન થયું ન હતું. અન્ય રાજ્યોમાંથી લોકોને દિલ્હી લાવવાના પ્રયાસો દરમિયાન કાયદો-વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી અને સરકારી તથા ખાનગી મિલકતોને નુકસાન પહોંચ્યું હતું.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, નવી દિલ્હી જિલ્લામાં વિવિધ સંગઠનો મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવાની યોજના કરી રહ્યા હોવાની માહિતી મળી છે. આથી સુરક્ષા વ્યવસ્થા, કાયદો-વ્યવસ્થા અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની આશંકા છે. આ જ કારણસર CJPના પ્રસ્તાવિત પ્રદર્શનને પરવાનગી આપવામાં આવી નથી.
બીજી તરફ, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને 9 ઑક્ટોબરે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ મહાનિદેશકોને (DGP) પત્ર લખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના નિર્દેશ આપ્યા છે. પત્રમાં દિલ્હી પોલીસ સાથે તાલમેલ જાળવી રાખવા અને સરહદી રાજ્યોની ગુપ્તચર એજન્સીઓ, સરહદ પર અવરજવરનું મોનિટરિંગ કરતી એજન્સીઓ તથા દિલ્હી પોલીસ વચ્ચે સતત માહિતીની આપ-લે કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ગૃહ સચિવના પત્રમાં ઇન્ટેલિજન્સ ઇનપુટ્સનો હવાલો આપીને આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે પ્રતિબંધ હોવા છતાં CJP અને તેનાથી જોડાયેલા લોકો અન્ય રાજ્યોમાંથી દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે. તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી સાવચેતીના પગલાં લેવા અને દિલ્હી પોલીસ સાથે મળીને કામ કરવા કહેવામાં આવ્યું છે. જંતર-મંતર પર સભાઓ યોજવા અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશો અને નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કરવા પર પણ ભાર મૂકાયો છે.