સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી પોલીસે કોંગ્રેસની રામલીલા મેદાન રેલીને મંજૂરી આપી, કડક સુરક્ષા શરતો સાથે

દિલ્હી પોલીસે કોંગ્રેસની રામલીલા મેદાન રેલીને મંજૂરી આપી, કડક સુરક્ષા શરતો સાથે

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં આગામી 1 નવેમ્બરના રોજ વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ની મોટી રેલી યોજાવા જઈ રહી છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ અને વહીવટી તંત્ર આ કાર્યક્રમમાં જાણીજોઈને અડચણો ઊભી કરી રહ્યા છે.

જોકે, મંગળવારે દિલ્હી પોલીસે સ્પષ્ટતા કરી છે કે તેમણે રેલી માટે આપેલી પરવાનગી (NOC) પાછી ખેંચી નથી. પોલીસે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ મંજૂરી આપવામાં આવી છે અને સુરક્ષાને લઈને કેટલીક કડક શરતો પણ લાગુ કરવામાં આવી છે.

સુરક્ષા માટે મેદાનને 14 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનની દેખરેખ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) સ્તરના અધિકારીઓ સંભાળશે, જ્યારે અન્ય બે સંવેદનશીલ ઝોનનું નિરીક્ષણ એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (Addl. DCP) સ્તરના અધિકારીઓ કરશે. કોઈપણ તાકીદની પરિસ્થિતિ માટે રિઝર્વ પોલીસ ફોર્સની 10 કંપનીઓ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

કાર્યક્રમ સ્થળે 200થી વધુ હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લગાવવામાં આવશે. ફરજ પરના પોલીસ જવાનો બોડી-વોર્ન કેમેરા પહેરશે અને આધુનિક સર્વેલન્સ સાધનોથી સજ્જ વાહનો સતત પેટ્રોલિંગ કરશે. કુલ 3500 પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે.

દિલ્હી પોલીસે 17 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ નેતા મનીષ ચતરથને મોકલેલા સત્તાવાર પત્ર મુજબ, 25 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી મેદાન બુક કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, મુખ્ય રેલી 1 નવેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ યોજી શકાશે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રેલી સાંજે 5 વાગ્યા સુધીમાં પૂરી થવી જોઈએ. આયોજકોએ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકોની સુરક્ષિત અને શાંતિપૂર્ણ વિદાય માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

આ ઉપરાંત, સ્થળ પર પીવાના સ્વચ્છ પાણીની સુવિધા, મહિલાઓ માટે અલગ શૌચાલયની વ્યવસ્થા અને ભીડ વ્યવસ્થાપન માટે પૂરતા સ્વયંસેવકોની નિમણૂક કરવી ફરજિયાત છે. ટ્રાફિક પોલીસે નક્કી કરેલા નિયુક્ત સ્થળોએ જ તમામ વાહનોનું પાર્કિંગ કરવાનું રહેશે.

પોલીસની કડક માર્ગદર્શિકા મુજબ, રામલીલા મેદાનમાં કોઈપણ સહભાગી કે કાર્યકરને રાત્રિ રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આયોજકોએ આમંત્રિત મહેમાનો અને તમામ સ્વયંસેવકોની સંપૂર્ણ યાદી પોલીસને અગાઉથી જમા કરાવવાની રહેશે. સાથે જ, કાર્યક્રમની મિનિટ-દર-મિનિટની વિગતો અને લોકોને લાવવા-લઈ જવા માટે વપરાતી તમામ બસોના રજિસ્ટ્રેશન નંબર પણ પૂરા પાડવાના રહેશે. રેલી દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ ડહોળાય તેવા કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણો, ગુંડાગીરી કે અભદ્ર વર્તન પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, વિપક્ષની આ મહારેલી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે SIRમાં કથિત અનિયમિતતાઓના વિરોધમાં યોજાઈ રહી છે. પોલીસે આયોજકોને ચેતવણી આપી છે કે જો આમાંની કોઈપણ શરતનો ભંગ થશે, તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને મંજૂરી તાત્કાલિક રદ કરવામાં આવશે. વધુમાં, રામલીલા મેદાન સિવાય શહેરના અન્ય કોઈ રસ્તા પર કૂચ કે સરઘસ કાઢવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.