દિલ્હીમાં 10 ઓક્ટોબરે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. આ પગલે દિલ્હી પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે અને લાઉડસ્પીકર દ્વારા લોકોને આંદોલનમાં જોડાવા ન જવાની અપીલ કરી છે.
ઉત્તર-પૂર્વી દિલ્હીના હર્ષ વિહાર સહિત અનેક વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. એનાઉન્સમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી નથી. નવી દિલ્હીમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ કરવામાં આવી છે. તેથી લોકો પોતાના બાળકો અને પડોશીઓને પણ ત્યાં ન જવા સમજાવે.
પોલીસે ચેતવણી આપી છે કે નિયમોનું ઉલ્લંઘન કરીને જો કોઈ જંતર-મંતર પહોંચશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે દિલ્હીના સંવેદનશીલ વિસ્તારોમાં વધારાનો પોલીસ કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી રેન્જના સંયુક્ત પોલીસ કમિશનર નૂપુર પ્રસાદે જણાવ્યું કે, નિયમ મુજબ કોઈપણ વિરોધ પ્રદર્શન માટે ઓછામાં ઓછા 10 દિવસ પહેલાં અરજી કરવાની હોય છે. જ્યારે આ અરજી બહુ ઓછા સમય પહેલાં કરવામાં આવી હતી. અગાઉ પણ CJPને મંજૂરી આપવામાં આવી હતી ત્યારે તેમણે શરતોનું પાલન કર્યું નહોતું. તેથી આ વખતે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોતાં પરવાનગી નકારવામાં આવી છે.
રાજધાનીમાં કોઈપણ પ્રકારની અણધારી ઘટના રોકવા માટે અર્ધલશ્કરી દળો સહિત 25 હજારથી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસે દિલ્હી મેટ્રોને 57 સ્ટેશનો બંધ રાખવા અપીલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે પ્રદર્શનના નામે મેટ્રો કે ટ્રેનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ન મૂકી શકાય અને સામાન્ય મુસાફરોને મુશ્કેલી ન પડે તે રીતે સેવાઓ નિયંત્રિત રાખવી જોઈએ.
આંદોલનને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસને 9 અને 10 ઓક્ટોબરે દિલ્હી તરફ જતી 13 જેટલી ટ્રેનો રદ કરી છે તથા કેટલીક ટ્રેનોના સમય બદલ્યા છે. આ નિર્ણય સામે વિપક્ષી નેતાઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે અને સરકાર યુવાનોથી ડરી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. માકપા દ્વારા આ પ્રતિબંધો અને ટ્રેનો રદ કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે CJP અને વિદ્યાર્થી સંગઠનોએ આ મોરચો માંડ્યો છે. આંદોલનકારીઓનો આરોપ છે કે મતદાર યાદી સંબંધિત પ્રક્રિયામાં ગેરરીતિઓ આચરવામાં આવી છે. આ વિવાદ ચૂંટણી પંચના આંતરિક નિર્ણયો અને અસંતોષને લગતા અહેવાલો બહાર આવ્યા બાદ વધુ વકર્યો છે.