નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર: દિલ્હીના કિલોકરી ગામમાં રહેતા મણિપુરના 54 વર્ષીય નિવૃત્ત સંગીત શિક્ષક ચોંગથમ વિક્રમ સિંહની કથિત રીતે ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસે આ સંબંધમાં છ લોકોની અટકાયત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સનલાઇટ કોલોની પોલીસ સ્ટેશનને શનિવારે મારપીટ અંગેનો ફોન મળ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે ચોંગથમ સિંહ પોતાના ઘરની બહાર કેટલાક લોકો ઘોંઘાટ કરી રહ્યા હોવાની ફરિયાદ લઈને નીચે ગયા હતા. ઘરની સામે ઢાબા પર અને ડિલિવરીના કામે આવેલા લોકો ઘોંઘાટ કરી રહ્યા હતા. ચોંગથમ સિંહે તેમને શાંત રહેવા કહેતાં બોલાચાલી થઈ હતી, જે બાદ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
હુમલામાં ચોંગથમ સિંહને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમના પુત્ર યાઇફાબાએ તેમને હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
અટકાયત કરાયેલા છ લોકોમાં કેટલાક સગીર પણ સામેલ છે, જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલી�ે જણાવ્યું છે. આ ઘટનાને પૂર્વોત્તરના લોકો વંશીય હુમલો ગણાવી રહ્યા છે, જોકે પોલીસે હજુ આ પાસા અંગે કંઈ કહ્યું નથી. તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.