સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી-NCR માં પ્રદૂષણ સામે કડક કાર્યવાહી: 2.5 લાખ જૂની ગાડીઓની થશે ફિટનેસ ચેક

દિલ્હી-NCR માં પ્રદૂષણ સામે કડક કાર્યવાહી: 2.5 લાખ જૂની ગાડીઓની થશે ફિટનેસ ચેક

દિલ્હી અને એનસીઆર (NCR) વિસ્તારમાં વધતા પ્રદૂષણને પગલે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને દિલ્હી પીડબ્લ્યુડી (PWD)ના પ્રવેશ વર્મા પણ હાજર રહ્યા હતા.

બેઠક બાદ રાજ્ય મંત્રી મનજિંદર સિંહ સિરસાએ જણાવ્યું કે, પ્રદૂષણ ઘટાડવા માટે એક વ્યાપક યોજના પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે એનસીઆરમાં પ્રદૂષણ ઘટાડવા અને આ પ્રયાસોમાં દિલ્હી તથા એનસીઆરની ભૂમિકા પર ચર્ચા કરી છે.'

'નો PUCC, નો ફ્યુઅલ' પોલિસી કડક બનશે

બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા સિરસાએ કહ્યું, 'અમારી 'નો PUCC, નો ફ્યુઅલ' પોલિસીને વધુ કડક રીતે લાગુ કરવામાં આવશે. દિલ્હીના તમામ 500 પેટ્રોલ પંપો પર, જ્યાં એએનપીઆર (ANPR) કેમેરા લાગેલા છે, ત્યાં આ નિયમ લાગુ થશે.'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'એન્ડ-ઓફ-લાઈફ' (જૂની થઈ ગયેલી) વાહનો સામે કડક અભિયાન ચલાવવામાં આવશે. આ માટે ઓક્ટોબર મહિનામાં જન-જાગૃતિ અભિયાન શરૂ કરાશે અને નવેમ્બરમાં પીયુસી (PUC) સેન્ટરોને અપગ્રેડ કરવામાં આવશે. ત્રણ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનો દ્વારા 2.5 લાખ વાહનોની ફિટનેસ તપાસવામાં આવશે.

દિલ્હીને વધુ 150 ઈ-બસો મળશે

સિરસાએ જણાવ્યું કે, દિલ્હીમાં હાલ 588 ઇલેક્ટ્રિક બસો ચાલી રહી છે. જેમાં વધુ 150 બસો ઉમેરવામાં આવશે. તેમણે 11 જિલ્લાધિકારીઓની કચેરીઓની મુલાકાત લઈને પ્રદૂષણ હોટસ્પોટના 3 કિલોમીટરના દાયરામાં થતી પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી. 62 ચિહ્નિત પ્રદૂષણ હોટસ્પોટમાંથી 42 પર પ્રદૂષણ સ્તર નિયંત્રિત કરી દેવામાં આવ્યું છે. બાકીના હોટસ્પોટ પર પણ કામ ચાલુ છે.

શ્મશાન ગૃહ, ડમ્પિંગ સાઇટ અને બાંધકામ સ્થળો જેવા ચોક્કસ સ્થળો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાધિકારીઓ મારફતે આ મુદ્દાઓનો અસરકારક રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે.

શિયાળા માટે ખાસ તૈયારીઓ

રસ્તાઓના કિનારેથી ઊડતી ધૂળને રોકવા માટે 'બ્રાઉન પેચ' અને હરિયાળી વિકસાવવામાં આવશે. આ એક જનભાગીદારી અભિયાન હેઠળ થશે. રસ્તાઓની ઊંડાણપૂર્વક સફાઈ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે, જે દર પંદર દિવસે કરવામાં આવશે. 'ઝીરો બર્નિંગ' પહેલ હેઠળ આ વખતે 'હિટિંગ સ્પોટ' બનાવવામાં આવશે. અસ્થાયી આશ્રયસ્થાનોમાં ઠંડીથી બચવા માટે હિટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.