દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું છે. અનેક વિસ્તારોમાં હવા અત્યંત ઝેરી બની ગઈ છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 500ને પાર પહોંચી ગયો છે. દિવાળી પહેલાંના સપ્તાહમાં દિલ્હીમાં સરેરાશ PM2.5નું સ્તર પ્રતિ ઘન મીટર 236 માઇક્રોગ્રામ નોંધાયું હતું. પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં અભ્યાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હી સહિત ગાઝિયાબાદ, નોઇડા અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. દિલ્હીના મોડલ ટાઉન, રોહિણી, સોનિયા વિહાર, આનંદ પર્વત અને આનંદ વિહાર જેવા વિસ્તારોમાં AQI 500થી ઉપર નોંધાયો છે. જોકે, ધૌલા કુઆંની આસપાસના વિસ્તારમાં AQI 128 નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં આવે છે.
દિલ્હી-NCRના વિવિધ વિસ્તારોમાં AQIની સ્થિતિ આ પ્રમાણે છે: મોડલ ટાઉન (દિલ્હી) - 559, સોનિયા વિહાર (દિલ્હી) - 525, આનંદ પર્વત (દિલ્હી) - 510, આનંદ વિહાર (દિલ્હી) - 521, ઇન્દિરાપુરમ (ગાઝિયાબાદ) - 536, IP એક્સટેન્શન (ફરીદાબાદ) - 519.
દિલ્હી-NCRમાં આ વખતે શિયાળાની શરૂઆત જ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ વધુ પ્રદૂષિત રહી છે. પ્રદૂષણનું સ્તર વર્ષ 2025ની સરખામણીએ લગભગ બમણું છે, જ્યારે વર્ષ 2024ની સરખામણીએ અંદાજે એક તૃતીયાંશ જેટલું વધારે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE)ના તાજેતરના અહેવાલમાં પ્રદૂષણ નિયંત્રણના વર્તમાન ઉપાયો સામે ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે. અહેવાલ અનુસાર, પરાળી સળગાવવી અને ફટાકડા પ્રદૂષણ વધારતા પરિબળો છે, પરંતુ દિલ્હીની હવા સતત ખરાબ થવા પાછળ વર્ષભર થતું ઉત્સર્જન અને પાડોશી જિલ્લાઓમાંથી આવતું પ્રદૂષણ પણ મોટાં કારણો છે.
વધતા પ્રદૂષણની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ જોવા મળી રહી છે. દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)-3 લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે શાળાઓ માટે પણ વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાઝિયાબાદ અને ગૌતમબુદ્ધ નગરમાં ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવશે, જેથી પ્રદૂષણના જોખમ વચ્ચે બાળકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકાય.