સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી-NCRમાં હવા વધુ બગડી: GRAP-3 લાગુ, ધોરણ 5 સુધી હાઇબ્રિડ શિક્ષણ ફરજિયાત

દિલ્હી-NCRમાં હવા વધુ બગડી: GRAP-3 લાગુ, ધોરણ 5 સુધી હાઇબ્રિડ શિક્ષણ ફરજિયાત

દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા સતત બગડતી જતી હોવાથી કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)એ શુક્રવારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)નો ત્રીજો તબક્કો લાગુ કર્યો છે. આ નિર્ણય દિલ્હી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ અને સોનીપતમાં પણ લાગુ થશે.

GRAP-3 હેઠળ ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે વિદ્યાર્થી શાળાએ જઈને ભણી શકશે અથવા ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરી શકશે. શાળાઓ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી નથી; નિયમિત વર્ગો ચાલુ રહેશે અને સાથે ઓનલાઈન શિક્ષણની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ વીડિયો સંદેશ દ્વારા આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે વાલીઓને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઓનલાઈન અભ્યાસનો વિકલ્પ વાપરવા અપીલ કરી હતી.

પ્રદૂષણ ઘટાડવા વાહનો પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, સોનીપત, ગાઝિયાબાદ અને ગૌતમ બુદ્ધ નગરમાં BS-III અને તેનાથી જૂનાં પેટ્રોલ વાહનો તથા BS-IV અને તેનાથી જૂનાં ડીઝલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત દિલ્હીમાં BS-IV અને તેનાથી જૂનાં ડીઝલથી ચાલતાં મધ્યમ માલવાહક વાહનો પણ દોડી શકશે નહીં. બહારના વિસ્તારોમાં નોંધાયેલાં જૂનાં ડીઝલ મધ્યમ અને હળવા માલવાહક વાહનોને દિલ્હીમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જોકે દિવ્યાંગ વ્યક્તિઓના વ્યક્તિગત ઉપયોગ માટે ખાસ અનુકૂલિત કરાયેલાં વાહનોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે.

શુક્રવારે દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 382 નોંધાયો હતો, જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. પવનની ગતિ ઘટવાની શક્યતા હોવાથી હવામાં પ્રદૂષિત કણો લાંબા સમય સુધી જમા રહી શકે છે, જેથી પ્રદૂષણનું સ્તર હજુ વધી શકે છે.

GRAP-3 હેઠળ બાંધકામ અને ધૂળ ફેલાવતી પ્રવૃત્તિઓ પર પણ કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. સંબંધિત વિભાગોને નિયમોનું ચુસ્ત પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે. હવાની ગુણવત્તામાં સુધારો ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધો ચાલુ રહેશે.