દિલ્હીના જાહેર બાંધકામ વિભાગ (PWD) ના મંત્રી પ્રવેશ વર્મા પર એક યુવકને જાહેરમાં થપ્પડ મારવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. યુવકે દાવો કર્યો છે કે તેમણે રસ્તાની નબળી ગુણવત્તા અંગે પ્રશ્ન કરતાં મંત્રીએ ગુસ્સામાં આવીને તેમને લાફો માર્યો હતો.
ઘટનાની વિગત મુજબ, PWD વિભાગે યુવકને રસ્તાની સ્થિતિ જોવા માટે બોલાવ્યો હતો. યુવકે રસ્તો જોયા બાદ મંત્રીને જણાવ્યું કે રસ્તાની ગુણવત્તા નબળી છે અને તે ઉખડી રહ્યો છે. આ વાત મંત્રીને પસંદ ન પડતાં તેમણે યુવકને થપ્પડ મારી દીધી. સાહેબ સિંહ નામના આ યુવકે જણાવ્યું કે ઘટના સમયે પોલીસ પણ હાજર હતી. તેમણે મંત્રી પાસેથી માફી અને શિસ્તભંગની કાર્યવાહીની માંગ કરી છે. યુવકે કહ્યું કે તેમણે આ મામલે FIR નોંધાવી છે અને આગળની કાનૂની કાર્યવાહી કરશે.
બીજી તરફ, મંત્રી પ્રવેશ વર્માએ આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી (AAP) જે વીડિયો ફેલાવી રહી છે તે પાછળનું સત્ય જાણવું જરૂરી છે. વિકાસપુરી રિંગ રોડ પર રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યાંના ધારાસભ્ય જરનેલસિંહ PWD એન્જિનિયરોને તેમના કોન્ટ્રાક્ટર સાથે મુલાકાત કરાવવા અને કમિશન અપાવવાનું કહેતા હતા. આ અંગે એન્જિનિયરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કમિશન ન મળતાં જ રાત્રે બનેલો રસ્તો સવારે ઉખાડી નાખવામાં આવતો હતો અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવી વીડિયો બનાવવામાં આવતા હતા. મંત્રીએ કહ્યું કે જરનૈલસિંહના એક કાર્યકર્તાએ તેમના પરિવાર વિશે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું, ત્યારે ગુસ્સામાં આવીને તેમણે જે કર્યું તે ખોટું હતું.
આ ઘટના પર રાજકીય પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. AAP એ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે દિલ્હી સરકારમાં મંત્રી પ્રવેશ વર્મા સામે રસ્તાના કામમાં ભ્રષ્ટાચાર ઉજાગર થયો તો તેમણે યુવાનોને થપ્પડ મારીને ગુંડાગીરી કરી. AAP ના સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે રસ્તા નિર્માણમાં ભ્રષ્ટાચાર દર્શાવવા પર મંત્રીએ એક યુવકને જાહેરમાં થપ્પડ મારી છે.
કોંગ્રેસે પણ X પર નિવેદન આપ્યું છે. કોંગ્રેસે કહ્યું કે મંત્રી પ્રવેશ વર્માએ ખરાબ રસ્તા અંગે સવાલ કરનાર યુવકને ગુસ્સામાં લાફો માર્યો. ભાજપ યાદ રાખે કે જનતા કંઈ ભૂલતી નથી અને તેમનો ઘમંડ તૂટશે.