દિલ્હીમાં રવિવારે (27 સપ્ટેમ્બર) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પીડબ્લ્યુડી (PWD) મંત્રી પ્રવેશ વર્માએ તિલક નગર વિસ્તારમાં એક યુવકને લાફો માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
ઘટનાની વિગતો મુજબ, મંત્રી પ્રવેશ વર્મા તિલક નગર વિસ્તારમાં નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. ત્યારે સ્થાનિક નાગરિકોએ ત્યાં નવી બનેલી સડકમાં થયેલા ખરાબ કામ અંગે ફરિયાદ કરી હતી. આ દરમિયાન એક યુવક તેમનો વીડિયો બનાવી રહ્યો હતો, જેનાથી ગુસ્સે થઈને મંત્રીએ યુવકને લાફો મારી દીધો.
આ ઘટના બાદ આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રવેશ વર્માની ધરપકડ કરવાની માંગ કરી છે. કેજરીવાલે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને લખ્યું કે, "મંત્રીની ધરપકડ કરો. હું કાલે અહીં જઈશ."
આપ નેતાઓએ પ્રવેશ વર્મા પર ઘેરા પ્રહારો કર્યા છે. આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે આ ઘટનાથી પ્રવેશ વર્માએ પોતાની કાયરતા આખી દુનિયા સામે બતાવી દીધી છે. તેમણે આરોપ લગાવ્યો કે તેમના વિભાગ દ્વારા તિલક નગરમાં હલકી ગુણવત્તાવાળો રોડ બનાવવામાં આવ્યો છે.
સૌરભ ભારદ્વાજે વધુમાં જણાવ્યું કે, રોડની ગુણવત્તા ચકાસવા માટે તેઓ પોતે ત્યાં ગયા હતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યને કહ્યું કે તમે આ રોડને હાથથી તોડીને બતાવો. જ્યારે ધારાસભ્ય અને સ્થાનિક લોકોએ હાથથી ડામરનો રોડ તોડીને બતાવ્યો કે રોડ અત્યંત હલકી ગુણવત્તાનો બન્યો છે. ત્યારે પ્રવેશ વર્મા પાસે કોઈ જવાબ નહોતો અને તેમણે વીડિયો બનાવી રહેલા યુવકને લાફો મારી દીધો.
તિલક નગરના આપ ધારાસભ્ય જરનૈલ સિંહે પણ આ વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું કે, "આ ભારતની રાજધાની દિલ્હીની ભાજપ સરકારના PWD મિનિસ્ટર છે. રોડનું નિરીક્ષણ કરવા આવ્યા હતા, પરંતુ કૌભાંડ પર કૌભાંડ છતાં થતા જોઈને આપો ખોઈ બેઠા અને વીડિયો રેકોર્ડ કરનારા મારા સાથી સાથે ગેરવર્તન કરી બેઠા."
આ ઘટનાએ દિલ્હીની રાજકીય ગરમી વધારી દીધી છે. આમ આદમી પાર્ટીએ મંત્રી સામે કાર્યવાહીની માંગ કરી છે, જ્યારે ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.