દિલ્હી મહાનગરપાલિકા (MCD)ની સામાન્ય સભામાં ગુરુવારે સફાઈ વ્યવસ્થા અને પ્રદૂષણના મુદ્દે ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના મહિલા કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ ઝપાઝપીની નોબત આવી ગઈ હતી.
કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશની ટિપ્પણીથી મામલો ગરમાયો હતો. આ ટિપ્પણી બાદ AAPના સભ્યો ઉશ્કેરાયા અને કાઉન્સિલરો મેયરના આસન સુધી પહોંચી ગયા હતા. વિરોધ દરમિયાન કાઉન્સિલરોએ એકબીજા પાસેથી માઈક ઝૂંટવી લીધા હતા અને તોડવાનો પ્રયાસ કર્યો હતો. મેયરની ખુરશી પાસે ચા ફેંકવાનો પણ આરોપ લાગ્યો છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં મહિલા કાઉન્સિલરો વચ્ચે ધક્કામુક્કી અને ખેંચતાણ થતી જોઈ શકાય છે.
ભારે હોબાળા વચ્ચે મેયર પ્રવેશ વાહીએ એજન્ડા પાસ કરાવી લીધો હતો અને ત્યારબાદ સભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. મેયરે આ વર્તન સામે નારાજગી વ્યક્ત કરી છે અને ગૃહની ગરિમાને ઠેસ પહોંચાડનારા સભ્યો સામે કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે.
આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે, 'MCD હેડક્વાર્ટરની બેઠકમાં AAP કાઉન્સિલરોએ ભાજપ પાસે 2 કરોડ રૂપિયાના ફંડનો હિસાબ માંગ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશે AAP કાઉન્સિલર શગુફ્તા ઝુબેર ચૌધરી વિરુદ્ધ અંગત ટિપ્પણીઓ કરી હતી અને અપશબ્દો બોલ્યા હતા.'
AAPએ આ ઘટનાને કમનસીબ ગણાવી છે અને ભાજપના મેયર પ્રવેશ વાહી તથા કોંગ્રેસ નેતા નાઝિયા દાનિશ પાસે માફી માંગી છે. પાર્ટીએ કહ્યું છે કે, 'પોતાના વિસ્તારના લોકોના અધિકારો અને વિકાસ માટે ફંડ માંગનાર AAP કાઉન્સિલરને નિશાન બનાવવી દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યારે AAP કાઉન્સિલરો જનતાના હક માટે અવાજ ઉઠાવે છે, ત્યારે ભાજપ શાસિત MCDએ જવાબ આપવો જોઈએ, અવાજ દબાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ.'