સત્ય. સાહસ. સંકલ્પ.

સ્વતંત્ર ભારદ્વાજ કોણ? દિલ્હી હુમલાની બડાઈ અને પોલીસ કસ્ટડી પાછળની સંપૂર્ણ કહાની

સ્વતંત્ર ભારદ્વાજ કોણ? દિલ્હી હુમલાની બડાઈ અને પોલીસ કસ્ટડી પાછળની સંપૂર્ણ કહાની

નવી દિલ્હી: 'મેં નિશુના પિતાનું માથું ફોડ્યું, હું જેલ સુધી પણ ન ગયો. અમે લોકો આખી રાત ફરતા હતા.' એક પોડકાસ્ટમાં આ નિવેદન આપીને 21 વર્ષીય સ્વતંત્ર ભારદ્વાજ ચર્ચામાં આવી ગયો છે. વીડિયો વાઇરલ થતાં વિપક્ષી નેતાઓએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. હવે પોલીસે તેને બુલંદશહરથી કસ્ટડીમાં લીધો છે.

સ્વતંત્ર ભારદ્વાજ પટનાના કંકરબાગનો રહેવાસી છે. તે UPSCની તૈયારી માટે દિલ્હી આવ્યો હતો અને 2022માં દિલ્હી યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. સોશિયલ મીડિયા પર તે પોતાને 'સ્વતંત્ર સનાતની યોદ્ધા' કહે છે અને ભાજપનો સમર્થક હોવાનું જણાવે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 1.8 લાખ ફોલોઅર્સ છે.

બુધવારે એક યુટ્યુબ ચેનલ પર પ્રસારિત પોડકાસ્ટમાં સ્વતંત્રએ 23 જૂનના રોજ જંતર-મંતર પર બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "અમે નિશુના પિતાનું માથું ફોડ્યું. આમાં હાફ મર્ડરની કલમ 307 લાગે છે. માથા પર 60 ટાંકા લાગેલા હતા, વ્યક્તિ મરવાની સ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જઈ રહ્યો હતો. તેની દીકરી પોલીસ સ્ટેશનની બહાર કહી રહી હતી કે જો મારા પિતાને ન્યાય નહીં મળે, તો અમે ઝેર ખાઈને જીવ આપી દઈશું. સ્વતંત્ર બીજા દિવસે બહાર. આખી દુનિયાને ખબર હોવી જોઈએ કે અમે જેલમાં પણ ન ગયા, આખી રાત ફરતા હતા." તેણે આ બચાવને હનુમાનની કૃપા અને કપિલ મિશ્રા તથા ચિરાગ પાસવાન જેવા નેતાઓ સાથેના સંબંધોને આભારી ગણાવ્યો હતો.

જંતર-મંતર પર CJP (કોકરોચ જનતા પાર્ટી) ના વિરોધ પ્રદર્શન દરમિયાન સંજય કુમાર નામના વ્યક્તિ પર હુમલો થયો હતો. FIR મુજબ, સંજય પોતાના ફોનથી પ્રદર્શનનું રેકોર્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે સ્વતંત્રએ દલીલ કરવાનું શરૂ કર્યું અને પછી 2-3 લોકોએ તેમના પર હુમલો કર્યો. સંજયના માથા પર ઊંડા ઘા આવ્યા હતા અને તેમને RML હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નિશુએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને પિતા પર થયેલા હુમલાની માહિતી આપી હતી.

પોલીસે સ્વતંત્ર અને તેના સાથી સુરજ કુમારને ત્યારે જ પકડી લીધા હતા, પરંતુ બાદમાં છોડી મૂક્યા હતા. આ પછી CJP સહિત વિપક્ષી પક્ષોએ આરોપ લગાવ્યો છે કે પોલીસે દબાણમાં આવીને હત્યાના પ્રયાસને બદલે હળવી કલમો હેઠળ કેસ દાખલ કર્યો અને આરોપીને છોડી દીધો. તાજેતરમાં પોલીસે સ્વતંત્રને બુલંદશહરથી કસ્ટડીમાં લીધો છે, જેના પગલે આ મામલે આગળની કાર્યવાહી થવાની શક્યતા છે.