સત્ય. સાહસ. સંકલ્પ.

150 વર્ષ જૂની ભૂલ સુધરશે: દિલ્હી-જયપુર વચ્ચે નવી 191 કિમી રેલ લાઇન, મુસાફરી 2 કલાક ઘટશે

150 વર્ષ જૂની ભૂલ સુધરશે: દિલ્હી-જયપુર વચ્ચે નવી 191 કિમી રેલ લાઇન, મુસાફરી 2 કલાક ઘટશે

બ્રિટિશ શાસન દરમિયાન થયેલી 150 વર્ષ જૂની ભૂલને સુધારવા ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. દિલ્હી અને જયપુર વચ્ચે 191 કિલોમીટરની નવી રેલ લાઇન નાખવાની યોજના છે. આ નવો ટ્રેક દિલ્હીથી રેવાડી અને નીમરાણા થઈને સીધો જયપુર પહોંચશે.

આ નવી લાઇનને કારણે દિલ્હી-જયપુર વચ્ચેનું અંતર 100 કિલોમીટર જેટલું ઘટશે. હાલમાં આ રૂટ પર મુસાફરીમાં 4 કલાક લાગે છે, જે ઘટીને 2થી 2.5 કલાક થઈ જશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટથી ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દિલ્હીથી મુંબઈ જતી ટ્રેનો સીધા જયપુર અને અમદાવાદ થઈને જવાને બદલે મથુરા, કોટા અને રતલામ થઈને લાંબો રસ્તો કેમ પસંદ કરે છે? આનું કારણ કોઈ ભૌગોલિક અવરોધ નથી, પરંતુ 150 વર્ષ પહેલાં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી એક મોટી ભૂલ છે.

ભારતમાં 1853માં રેલવેની શરૂઆત થઈ ત્યારે અંગ્રેજોએ બ્રોડગેજ (પાટા વચ્ચે 1.67 મીટરનું અંતર) લાઇન નાખવાનું શરૂ કર્યું હતું. પરંતુ તત્કાલીન વાઇસરોય લોર્ડ મેયોને આ કામ ઘણું ખર્ચાળ લાગ્યું. તેથી તેમણે 1873માં ખર્ચ બચાવવા માટે મીટરગેજ (પાટા વચ્ચે 1 મીટરનું અંતર) લાઇન નાખવાનો આદેશ આપ્યો. આ ટ્રેનો ઓછી પહોળી હતી અને તેમાં સ્લીપર કોચમાં સાઇડ બર્થની સુવિધા પણ ન હતી. આ સમયગાળામાં રાજસ્થાનના રાજાઓએ દિલ્હીથી લઈને અમદાવાદ સુધી પોતાના રાજ્યમાં મીટરગેજના જ પાટા નાખ્યા.

થોડા સમય પછી અંગ્રેજોને સમજાયું કે મોટા અને લાંબા રૂટ માટે બ્રોડગેજ જ યોગ્ય છે. તેથી તેમણે દિલ્હી-મુંબઈ જેવા મુખ્ય રસ્તાઓ પર ફરીથી બ્રોડગેજ નાખવાનું શરૂ કર્યું. પરંતુ પહોળા પાટા પર ચાલતી ટ્રેન સાંકડા પાટા પર ચાલી શકે નહીં. તેથી જો કોઈ ટ્રેન દિલ્હીથી જયપુર થઈને મુંબઈ જતી હોય તો મુસાફરોએ દિલ્હીથી બ્રોડગેજ ટ્રેનમાં બેસવું પડે, રાજસ્થાન બોર્ડર પર સામાન સાથે ઉતરીને બીજી મીટરગેજ ટ્રેનમાં બેસવું પડે અને છેક અમદાવાદ પહોંચીને મુંબઈ જવા માટે ફરીથી ત્રીજી બ્રોડગેજ ટ્રેન પકડવી પડે. માલગાડીઓ માટે પણ આ ખૂબ ખર્ચાળ અને મુશ્કેલ હતું.

ટ્રેન બદલવાની આ ઝંઝટ ટાળવા માટે અંગ્રેજોએ રાજસ્થાનના ટૂંકા રસ્તે જવાને બદલે મથુરા, કોટા અને રતલામવાળો રસ્તો પસંદ કર્યો. ભલે આ રસ્તો 200 કિલોમીટર લાંબો હતો, પણ તેમાં છેક દિલ્હીથી મુંબઈ સુધી સળંગ બ્રોડગેજના જ પાટા હતા અને ક્યાંય ટ્રેન બદલવી પડતી નહોતી. પરિણામે દિલ્હી-મુંબઈ મુખ્ય રૂટ 1150 કિમીનો ટૂંકો રસ્તો હોવા છતાં મથુરા, કોટા, રતલામ, વડોદરા અને સુરત થઈને જતો રૂટ 1384 કિમીનો થઈ ગયો.

1990ના દાયકા સુધીમાં જ્યારે બધી લાઇનોને બ્રોડગેજમાં ફેરવવામાં આવી, ત્યારે પણ દિલ્હી-જયપુર રૂટને દિલ્હી-મુંબઈ મુખ્ય લાઇન ન બનાવી શકાયો. તેનું કારણ એ હતું કે દિલ્હી અને જયપુર વચ્ચેનું સીધું અંતર 200 કિલોમીટરથી પણ ઓછું હોવા છતાં, તે સમયનો ટ્રેન રૂટ 305 કિલોમીટર લાંબો હતો. આ રૂટ રેવાડી, અલવર અને બાંદિકુઈ થઈને વળાંકવાળો હતો.

આ વળાંકવાળો રસ્તો બનાવવાનું મુખ્ય કારણ જયપુર નજીક આવેલું સાંભર સરોવર હતું. તે સમયે મીઠું ખૂબ જ કિંમતી હતું અને અંગ્રેજો સાંભર સરોરવરમાંથી મીઠું કાઢીને દેશભરમાં પહોંચાડવા માંગતા હતા. તેથી રજવાડાઓની અનુકૂળતા મુજબ અલવર અને બાંદિકુઈ થઈને લાઇન નાખવામાં આવી. લાંબા અને વાંકાચૂંકા રસ્તાને કારણે જ તે ક્યારેય દિલ્હી-મુંબઈનો સીધો મુખ્ય માર્ગ બની શક્યો નહીં.

હવે સરકાર આ ઐતિહાસિક ભૂલને સુધારવા જઈ રહી છે. દિલ્હીથી જયપુર વચ્ચે સંપૂર્ણપણે નવા રૂટ પર 191 કિલોમીટર લાંબી નવી રેલ લાઇન નાખવાની યોજના તૈયાર છે. આ નવો ટ્રેક દિલ્હીથી રેવાડી, શાહજહાંપુર, નીમરાણા અને કોટપુતલી થઈને જયપુર સુધી પહોંચશે. આનાથી માત્ર મુસાફરીનો સમય જ ઘટશે નહીં, પરંતુ દિલ્હી-મુંબઈ વચ્ચેનું અંતર પણ ઘટશે.