સત્ય. સાહસ. સંકલ્પ.

મોર્ફ થયેલી તસવીર મામલે દિલ્હી હાઈકોર્ટની કાર્યવાહી: CJPના ચાર નેતાઓને નોટિસ, Metaને 24 કલાકમાં કન્ટેન્ટ હટાવવાનો આદેશ

મોર્ફ થયેલી તસવીર મામલે દિલ્હી હાઈકોર્ટની કાર્યવાહી: CJPના ચાર નેતાઓને નોટિસ, Metaને 24 કલાકમાં કન્ટેન્ટ હટાવવાનો આદેશ

નવી દિલ્હી: વડાપ્રધાન સાથે એક મહિલાની મોર્ફ કરેલી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરવાના મામલે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. કોર્ટે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ચાર નેતાઓને નોટિસ પાઠવી છે અને જવાબ માંગ્યો છે.

કોર્ટે સોશિયલ મીડિયા કંપની Metaને આદેશ આપ્યો છે કે તેણે 24 કલાકમાં સંબંધિત તમામ વાંધાજનક અને ડીપફેક સામગ્રી પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દેવી જોઈએ.

કોર્ટે પોલીસને પીડિત મહિલાને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું હતું કે આ એક અસાધારણ મામલો છે, જેમાં માત્ર એક મહિલાની ગરિમા જ નહીં, પણ દેશના વડાપ્રધાન પણ સંકળાયેલા છે.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે જો પોલીસ આવા મામલે સંવેદનશીલ ન હોય, તો અદાલત તેને સંવેદનશીલ બનાવશે. આ પ્રકરણમાં કોર્ટે સૌરવ દાસ, અભિજિત દીપકે, આશુતોષ રંકા અને રત્ના સિંહને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મહિલાની સુરક્ષા સર્વોપરી છે અને પોલીસ તંત્રએ કોઈપણ પ્રકારની ઢીલાશ દાખવ્યા વિના પગલાં ભરવા પડશે.

હાઈકોર્ટમાં પહોંચેલી પીડિતાએ પોતાની અરજીમાં ગંભીર આરોપ મૂક્યો છે કે જંતર-મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન અશ્લીલ અને અપમાનજનક નારાઓ સાથે તેની મોર્ફ કરેલી તસવીરો જાહેરમાં ફેલાવવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ તેની તસવીરો સાથે વડાપ્રધાનનો ફોટો જોડીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.

મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અગાઉ એફઆઈઆર નોંધાઈ ચૂકી હોવા છતાં જવાબદારો સામે નક્કર કાર્યવાહી કે વાયરલ લિંક્સ બ્લોક કરવા માટે અસરકારક પગલાં લેવાયા નહોતા.

સામાન્ય રીતે કન્ટેન્ટ હટાવવાની અરજીઓ સિવિલ કોર્ટમાં જતી હોય છે, પરંતુ આ કેસની અતિસંવેદનશીલતા જોતાં હાઈકોર્ટે પીડિતાને હેરાન ન થવું પડે તે હેતુથી તમામ કાર્યવાહી અહીં જ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. કોર્ટે મહિલાને તપાસ અધિકારીને પોતાનું સરનામું આપવા જણાવ્યું છે અને પોલીસને તેને તાત્કાલિક સુરક્ષા આપવા કહ્યું છે.

કોર્ટે મહિલાના વળતર મેળવવાના અધિકાર પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન દરમિયાન બનેલી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ કે દુર્વ્યવહાર બદલ પીડિતાને પ્રદર્શનના આયોજકો પાસેથી વળતર મેળવવાનો કાનૂની અધિકાર છે. હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ રહેવાથી કાયદા હેઠળ મહિલાને મળતી કોઈપણ અન્ય કાનૂની રાહત મેળવવામાં કોઈ અવરોધ ઊભો થશે નહીં.

આ કેસની આગામી સુનાવણી 14 ઓક્ટોબરે થશે.