સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો: બેંકો FD પર મનસ્વી રીતે વ્યાજદર ઘટાડી શકશે નહીં

દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો: બેંકો FD પર મનસ્વી રીતે વ્યાજદર ઘટાડી શકશે નહીં

દિલ્હી હાઈકોર્ટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બેંકો FD પર મળતા વ્યાજદરમાં મનસ્વી રીતે ઘટાડો કરી શકે નહીં. આવું કરવા માટે બેંક પાસે યોગ્ય અને કાયદેસરનું કારણ હોવું જરૂરી છે. ખાસ કરીને જ્યારે FD કોર્ટના આદેશથી બનાવવામાં આવી હોય, ત્યારે બેંકને વ્યાજદર ઘટાડવાનો આપખુદ અધિકાર રહેતો નથી.

આ કાનૂની વિવાદ 5.89 કરોડ રૂપિયાની FD સાથે જોડાયેલો છે. હીરો એક્સપોર્ટ્સ અને ટિફિન્સ બેરિટ્સ, એસ્બેસ્ટોસ એન્ડ પેઇન્ટ્સ લિમિટેડ વચ્ચે કાનૂની લડત ચાલી રહી હતી. જુલાઈ 2008માં હાઈકોર્ટે આદેશ આપ્યો કે ટિફિન્સ બેરિટ્સના બેંક ખાતામાંની 8.5 કરોડ રૂપિયાની રકમ સુરક્ષિત રાખવામાં આવે. આમાંથી 5.89 કરોડ રૂપિયા તે સમયની ABN એમ્રો બેંકમાં જમા કરાવાયા. (આ બેંક પછીથી રોયલ બેંક ઓફ સ્કોટલેન્ડ અને ત્યારબાદ નેટવેસ્ટ માર્કેટ્સ PLC તરીકે ઓળખાઈ.) કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે આ રકમ તે સમયે બજારમાં ઉપલબ્ધ સૌથી વધુ વ્યાજદર આપતી FDમાં રોકવામાં આવે.

શરૂઆતમાં આ FD પર 7.75%, ત્યારબાદ 8.25% અને ફરીથી 7.75% વ્યાજ ચૂકવાતું હતું. પરંતુ 30 જાન્યુઆરી 2018થી બેંકે વ્યાજદર ઘટાડીને માત્ર 3.5% કરી દીધો. બેંકના આ એકતરફી નિર્ણય સામે હીરો એક્સપોર્ટ્સે વિરોધ કરીને કોર્ટમાં અરજી કરી.

મે 2019માં દિલ્હી હાઈકોર્ટના સિંગલ જજે સુનાવણી કરીને બેંકને આદેશ આપ્યો કે વિવાદિત રકમ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે જમા કરાવવામાં આવે. કોર્ટે એવો પણ નિર્દેશ આપ્યો કે 30 જાન્યુઆરી 2018થી મળવાપાત્ર વ્યાજની ગણતરી છેલ્લા 3 વર્ષમાં લાગુ પડતા સરેરાશ વ્યાજદરના આધારે થવી જોઈએ. નેટવેસ્ટ માર્કેટ્સ PLCએ આ નિર્ણય સામે હાઈકોર્ટની બે જજોની બેન્ચ સમક્ષ અપીલ કરી.

બેંકે દલીલ કરી કે RBIના નિયમો અનુસાર વાણિજ્યિક બેંકોને લોકલ FD પર વ્યાજદર નક્કી કરવાની સ્વતંત્રતા છે. બેંકે એમ પણ કહ્યું કે જો FDની પાકતી મુદત પૂરી થાય અને રિન્યુ ન થાય, તો તે રકમ પર સેવિંગ્સ એકાઉન્ટ જેટલો વ્યાજદર લાગુ પડે છે.

ન્યાયાધીશ અવનીશ ઝિંગન અને ન્યાયાધીશ શૈલ જૈનની બેન્ચે બેંકની તમામ દલીલો ફગાવી દીધી. ડિવિઝન બેન્ચે કહ્યું કે સિંગલ જજના ચુકાદામાં કોઈ કાનૂની કે તથ્યગત ભૂલ નથી. કોર્ટે નેટવેસ્ટની અપીલ રદ કરી અને બેંકને 5.89 કરોડ રૂપિયાની FD પર ઉચ્ચ દરે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો.