સત્ય. સાહસ. સંકલ્પ.

CJPની 'તિરંગા માર્ચ' પર રોક માટેની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી, પોલીસે કડક પગલાંની ખાતરી આપી

CJPની 'તિરંગા માર્ચ' પર રોક માટેની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી, પોલીસે કડક પગલાંની ખાતરી આપી

દિલ્હી હાઈકોર્ટે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 16 ઓક્ટોબરે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં યોજાનાર 'તિરંગા માર્ચ' પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી છે. દિલ્હી પોલીસે અદાલતને ખાતરી આપી હતી કે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તમામ જરૂરી કડક પગલાં લેવામાં આવશે. હાઈકોર્ટે પોલીસની આ ખાતરીને રેકોર્ડ પર લીધી હતી.

કનોટ પ્લેસના એક દુકાનદારે આ માર્ચ પર રોક લગાવવા અરજી દાખલ કરી હતી. એક્ટિંગ ચીફ જસ્ટિસ નિતિન વાસુદેવ સાંબ્રે અને જસ્ટિસ સંજય શર્માની બેન્ચે આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે પ્રદર્શન રોકવા વારંવાર દલીલો કરી, જેના પર બેન્ચે ટકોર કરી કે 'જિદ્દ ન કરો, અમે અમારો આદેશ પસાર કરી દીધો છે.'

અરજદારના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે આ દશેરાનો વિકેન્ડ છે અને તહેવારોની મોસમ ચાલી રહી છે. પ્રદર્શનના કારણે જો કનોટ પ્લેસની દુકાનો બંધ રાખવી પડશે અને વેપારીઓને વધુ એક વિકેન્ડનું નુકસાન સહન કરવું પડશે, તો તમામ વેપારીઓ અને દુકાનદારો રસ્તા પર ઉતરી આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ પ્રદર્શન સેન્ટ્રલ પાર્કની બરાબર વચ્ચે બોલાવવામાં આવ્યું છે, જેનાથી વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગે છે અને આ જગ્યા વિરોધ પ્રદર્શન માટે યોગ્ય નથી.

સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ અદાલતને સ્પષ્ટતા કરી હતી કે CJPના આ પ્રદર્શનને નિયંત્રિત કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા જરૂરી તમામ પગલાં લઈ લેવામાં આવ્યા છે. તેમણે ખાતરી આપી હતી કે વહીવટીતંત્ર દ્વારા અરજદાર વેપારીઓની ચિંતાઓ અને મુદ્દાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

CJP સંયોજક અભિજીત દીપકે દ્વારા આ તિરંગા માર્ચ 16 ઓક્ટોબરના રોજ સાંજે 5 વાગ્યે કનોટ પ્લેસ ખાતે કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. આ માર્ચ પક્ષના બે નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડના વિરોધમાં યોજાઈ રહી છે. આ બંને નેતાઓને દિલ્હી પોલીસે 13 ઓક્ટોબરના રોજ કસ્ટડીમાં લીધા હતા, જ્યારે તેઓ કથિત રીતે જંતર-મંતર પર તિરંગો લઈને પહોંચ્યા હતા.

દરમિયાન આમ આદમી પાર્ટીએ આ તિરંગા માર્ચને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ માર્ચમાં વિપક્ષના અન્ય નેતાઓ તેમજ વિવિધ વિદ્યાર્થી સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાઈ શકે છે.