દિલ્હીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલા કાલકાજી મંદિર નજીક 17 વર્ષીય કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આસ્થા કુંજ પાર્કમાં બનેલી આ ઘટના બાદ દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ અહેવાલ મુજબ, સોમવારે સાંજે લગભગ 7 વાગ્યે 17 વર્ષીય કિશોરી તેના મિત્ર સાથે કાલકાજી મંદિરે દર્શન કરવા ગઈ હતી. દર્શન બાદ બંને લગભગ 7:30 વાગ્યે નજીકના આસ્થા કુંજ પાર્કમાં બેઠા હતા. તે દરમિયાન 25થી 30 વર્ષની વયના ત્રણ અજાણ્યા યુવકોએ ત્યાં પહોંચી પોતાને પોલીસકર્મી ગણાવીને બંનેને ધમકાવવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓમાંથી એકે કિશોરના મિત્રને પકડી રાખ્યો હતો અને ત્રણેય આરોપીઓએ કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ ત્રણેય આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. રાત્રે લગભગ પોણા નવ વાગ્યે પીસીઆર કોલ મળતાં પોલીસ ટીમ તાત્કાલિક પાર્ક ખાતે પહોંચી હતી અને પીડિતાને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડી હતી.
દિલ્હી પોલીસે આ કેસમાં પોક્સો (POCSO) એક્ટ અને બળાત્કારની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે અમર કોલોની વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં ઓખલા મંડીમાં કામ કરતો આસિફ નામનો આરોપી ઝડપાઈ ગયો હતો. અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.