સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં દશેરા પર રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ' પૂતળાનું દહન, CJPનો જવાબ- 'ફ્રી પબ્લિસિટી માટે આભાર'

દિલ્હીમાં દશેરા પર રાવણ સાથે 30 ફૂટના 'કોકરોચ' પૂતળાનું દહન, CJPનો જવાબ- 'ફ્રી પબ્લિસિટી માટે આભાર'

દિલ્હીમાં 2026ના દશેરા પર્વે પરંપરાગત રાવણ દહન સાથે પીતમપુરા મેદાનમાં 30 ફૂટ ઊંચા 'કોકરોચ'ના પૂતળાનું દહન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી કેશવ રામલીલા કમિટી દ્વારા આ પહેલ સ્વચ્છતા જાગૃતિ માટે કરવામાં આવી રહી છે. કમિટીના પ્રમુખ અને મોડલ ટાઉનના ભાજપ ધારાસભ્ય અશોક ગોયલ દેવરાહાએ જણાવ્યું કે, કોકરોચ ગંદકીનું પ્રતીક છે અને આ નિર્ણય પાછળનો હેતુ બદી પર સારપની જીતનો સંદેશ આપવાનો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પહેલ રાજકીય નથી, પરંતુ 'સ્વચ્છ ભારત' અને 'સ્વચ્છ દિલ્હી' અભિયાનને સમર્થન આપે છે.

આ પૂતળા દહનની ચર્ચા એવા સમયે સામે આવી છે જ્યારે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) નામનું વ્યંગાત્મક આંદોલન ચર્ચામાં છે. CJPના સ્થાપક અભિજીત દીપકેએ આ પહેલને 'ફ્રી પબ્લિસિટી' ગણાવીને કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું, 'ફ્રી પબ્લિસિટી માટે આભાર.'

ઉલ્લેખનીય છે કે, 'કોકરોચ જનતા પાર્ટી' આંદોલનની શરૂઆત સુપ્રીમ કોર્ટમાં 15 મેના રોજ થયેલી સુનાવણી દરમિયાન તત્કાલીન ન્યાયાધીશની ટિપ્પણી બાદ થઈ હતી, જેમાં બોગસ ડિગ્રી ધરાવતા કાર્યકર્તાઓની સરખામણી 'કોકરોચ' સાથે કરવામાં આવી હતી. જોકે, પાછળથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ટિપ્પણીને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવી હતી. CJP હાલમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે મતદાર યાદીઓના SIRમાં કથિત ગેરરીતિઓ સામે આંદોલન ચલાવી રહી છે.