નવી દિલ્હી: જંતર-મંતર ખાતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના પ્રદર્શન દરમિયાન નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર થયેલા હુમલાનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક પોડકાસ્ટમાં સ્વતંત્ર ભારદ્વાજ નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે જ સંજય કુમાર પર હુમલો કર્યો હતો. આ વીડિયો સામે આવતા CJPના નેતાઓ અને કાર્યકરો ગુસ્સે ભરાયા છે.
આરોપીના દાવા બાદ CJPના પ્રવક્તા સૌરવ દાસ, સહ-સંયોજક આશુતોષ રાંકા અને નિશુ આઝાદ સહિતના અગ્રણીઓ બુધવારે પાર્લામેન્ટ રોડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસને આરોપી સ્વતંત્ર ભારદ્વાજની તાત્કાલિક ધરપકડ કરીને હત્યાના પ્રયાસ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધવાની માંગ કરી હતી.
CJPના આશુતોષ રાંકાએ જણાવ્યું કે, જંતર-મંતર ખાતે પ્રદર્શન દરમિયાન સંજય કુમાર પર હુમલો થયો હતો, જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેઓ શરૂઆતથી જ આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી.
CJPના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓની ધરપકડ ન કરવા પાછળ ભાજપના નેતા કપિલ મિશ્રા અને કાર્યકરોનું દબાણ છે. તેમણે માંગ કરી છે કે હુમલો કબૂલનારા તમામ લોકોની ધરપકડ કરીને તેમની સામે હત્યાના પ્રયાસની ગંભીર કલમો લગાવવામાં આવે.
આ મામલે કોંગ્રેસ પણ આગળ આવી છે. રાહુલ ગાંધીની સોશિયલ મીડિયા પોસ્ટ બાદ નિશુ આઝાદે કાનૂની મદદ માંગી હતી. દિલ્હી પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ અક્ષય લકડા અને લીગલ સેલના વકીલોએ પોલીસ સ્ટેશન જઈને આરોપીની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસની ટીમ FIRમાં નફરત ભાષણ, આદતી ગુનેગાર અને SC-ST અત્યાચાર નિવારણ કાયદા હેઠળની કલમો ઉમેરવાની પણ માંગ કરી રહી છે.