સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીમાં CJP વિરોધ: 2000થી વધુની અટકાયત, ભાજપ નેતાની પુત્રી સહિત 4 પૂર્વ મુખ્યમંત્રીઓ પોલીસ કસ્ટડીમાં

દિલ્હીમાં CJP વિરોધ: 2000થી વધુની અટકાયત, ભાજપ નેતાની પુત્રી સહિત 4 પૂર્વ મુખ્યમંત્રીઓ પોલીસ કસ્ટડીમાં

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP દ્વારા જંતર-મંતર ખાતે મોટું વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. CJPએ દેશભરમાંથી લોકોને દિલ્હી પહોંચવા આહ્વાન કર્યું હતું.

પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ દિલ્હી પોલીસે કડક કાર્યવાહી કરતાં 2000થી વધુ વિરોધકર્તાઓની અટકાયત કરી હતી. આંદોલનને પહોંચી વળવા 9 ઓક્ટોબરથી સમગ્ર દિલ્હી અને NCR વિસ્તાર હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યો છે. 40,000થી વધુ દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ના જવાનોને ચારેબાજુ તૈનાત કરાયા છે. ટ્રાફિક અને ભીડને કાબૂમાં રાખવા અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ્સ અને સ્પાઇક સ્ટ્રીપ્સ લગાવી દેવાઈ છે.

આ ધમાલ વચ્ચે ઉત્તર પ્રદેશના ફતેહપુર સદરના પૂર્વ ભાજપ ધારાસભ્ય વિક્રમ સિંહની પુત્રી યશસ્વિની રાજે સિંહની પણ પોલીસે અટકાયત કરી છે. યશસ્વિનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને જણાવ્યું કે, "હું ગુરુદ્વારા પાસેના પાર્કમાં શાંતિથી બેઠી હતી, ત્યાંથી જ પોલીસે મારી અટકાયત કરી લીધી." હાલ તેમને દિલ્હીના કેશવપુરમ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. તેમણે અગાઉ NEET પેપર લીક મામલે વિદ્યાર્થીઓના વિરોધમાં ભાગ લીધો હતો અને CJPના અભિયાનને ટેકો આપ્યો હતો.

આ કાર્યવાહીમાં વિપક્ષના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓની પણ અટકાયત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરળના પિનારાઈ વિજયન અને ત્રિપુરાના માણિક સરકારનો સમાવેશ થાય છે.

મમતા બેનરજીની અટકાયત વખતે હાઈવોલ્ટેજ દૃશ્યો જોવા મળ્યા હતા. દિલ્હીના સાઉથ એવન્યુ વિસ્તારમાં પોલીસે તેમને વિરોધ સ્થળ તરફ જતા અટકાવીને થોડી વાર બસ સ્ટોપ પર બેસાડ્યા હતા. ત્યારબાદ તેમને અને તેમની પાર્ટીના સાંસદો ડેરેક ઓ'બ્રાયન તથા ડોલા સેનને પોલીસ બસમાં બેસાડીને લઈ જવાયા હતા. પોલીસની કાર્યવાહીનો વિરોધ નોંધાવતા મમતા બેનરજીએ મોં પર પાટો બાંધ્યો હતો, જે સ્પષ્ટ સંકેત હતો કે સત્તાધીશો વિપક્ષનો અવાજ દબાવી રહ્યા છે.

હાલ દિલ્હીની સ્થિતિ સંવેદનશીલ છે. પ્રશાસન કોઈપણ ભોગે પ્રદર્શનને આગળ વધતું રોકવા માંગે છે. આગામી સમયમાં આ રાજકીય ગરમાવો કયું સ્વરૂપ લેશે તેના પર સૌની નજર ટકેલી છે.