નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા જંતર-મંતર પર આયોજિત પ્રદર્શનને રોકવા માટે દિલ્હી વહીવટી તંત્રએ વ્યાપક પગલાં લીધાં છે. આંદોલનમાં જોડાવા આવી રહેલા ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ — પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, ત્રિપુરાના માણિક સરકાર, કેરળના પિનરાઈ વિજયન અને દિલ્હીના અરવિંદ કેજરીવાલ —ને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા છે.
આ પહેલાં CJPના સ્થાપક અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટમાંથી ઉતરતાં જ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. યુટ્યુબર ધ્રુવ રાઠી સહિત અંદાજે 1000 સમર્થકોની પણ અટકાયત થઈ છે. વાહનોને રોકવા માટે રસ્તાઓ પર ખીલા લગાવવામાં આવ્યા છે અને કેટલાક પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યાં હોવાના અહેવાલ છે.
મમતા બેનર્જી સાઉથ એવેન્યુ બસ સ્ટેન્ડ પર ધરણા પર બેઠા હતા ત્યારે દિલ્હી પોલીસે તેમને કસ્ટડીમાં લીધા અને પાંચ સાંસદો સાથે એક કેદી વાનમાં અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા. બીજી તરફ, દિલ્હીમાં જંતર-મંતર તરફ જઈ રહેલા અરવિંદ કેજરીવાલને પણ પોલીસે અટકાયતમાં લીધા છે. સૌરભ ભારદ્વાજ અને સંજય સિંહને પણ ડિટેન કરવામાં આવ્યા છે.
શનિવારે (10 ઓક્ટોબર, 2026) દિલ્હી પોલીસે અટકાયતમાં લીધેલા ડાબેરી નેતાઓમાં કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, CPI(M)ના મહાસચિવ એમ.એ. બેબી, વરિષ્ઠ નેતા વૃંદા કરાત, રાજ્યસભા સાંસદ જ્હોન બ્રિટાસ અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકારનો સમાવેશ થાય છે.
CJP મતદાર યાદીમાં ગડબડીના આરોપને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR પ્રક્રિયા રોકવાની માંગ કરી રહી છે. પાર્ટીએ અભિજીત દીપકેનો પહેલાંથી રેકોર્ડ કરેલો વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેઓ કહે છે કે તેમની અટકાયત બાદ આંદોલનનું નેતૃત્વ અજિંક્ય શિંદે સંભાળશે.