કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા દિલ્હીના જંતર-મંતર પર આજે વિરોધ પ્રદર્શનની જાહેરાત કર્યા પછી દેશની રાજધાનીમાં ભારે સુરક્ષા ગોઠવણ કરવામાં આવી છે. પાર્ટીના અભિજીત દીપક, સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ SIR રદ કરવા, મતદારોના નામ કમી કરવા સામે જવાબદારી નક્કી કરવા અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે આ આંદોલન શરૂ કર્યું છે.
આ આંદોલનને આમ આદમી પાર્ટી, લેફ્ટ પાર્ટીઓ અને મમતા બેનર્જીની TMCએ ખુલ્લું સમર્થન જાહેર કર્યું છે. આથી કેન્દ્ર અને દિલ્હી સરકાર સતર્ક થઈ ગઈ છે.
દિલ્હીમાં કડક પહેરો
આંદોલનને ડામવા માટે દિલ્હી પોલીસે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. જંતર-મંતર તરફ જતા માર્ગો પર ત્રણથી ચાર લેયરની બેરિકેડિંગ કરવામાં આવી છે. લાઉડસ્પીકર દ્વારા સતત કલમ 163 (જૂની કલમ 144) હેઠળની જાહેરાત કરીને લોકોને એકત્ર ન થવા ચેતવણી આપવામાં આવી રહી છે. સંસદ માર્ગ તરફનો એક રસ્તો સંપૂર્ણ સીલ કરી દેવાયો છે અને પદયાત્રીઓને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ વર્દી પર બોડીકેમ ધારણ કર્યા છે અને દેખાવકારોને પકડવા માટે ખાસ ખાનગી બસો તથા 10 ડિટેન્શન સેન્ટર તૈયાર રાખવામાં આવ્યા છે.
ટ્રેનો રદ, મેટ્રો સ્ટેશન બંધ અને ઈન્ટરનેટ ઠપ્પ
આ વિરોધ પ્રદર્શનની સીધી અસર સામાન્ય જનજીવન પર વર્તાઈ રહી છે. દિલ્હી આવતી-જતી 75 ટ્રેનો બપોરે 2 વાગ્યા સુધી રદ કરવામાં આવી છે. સુરક્ષા કારણોસર 45 મેટ્રો સ્ટેશનો પર એન્ટ્રી અને એક્ઝિટ સાંજના 6 વાગ્યા સુધી બંધ રાખવામાં આવી છે. જંતર-મંતરની આસપાસના ચાર કિલોમીટરના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી છે અને દિલ્હીમાં દારૂની દુકાનો પણ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.
અભિજીત દીપકની લડાયક જાહેરાત
CJPના સંસ્થાપક અભિજીત દીપકે તેમના સાથીઓ સાથે આજે સવારે એરપોર્ટ પર પહોંચીને જંતર-મંતર કૂચ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું: "જિંદગી જીવવાના બે જ રસ્તા હોય છે... એક, જે થઈ રહ્યું છે તેને થવા દો, સહન કરતા જાઓ... અથવા જવાબદારી ઉઠાવો તેને બદલવાની!"
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેમને જ્યાં રોકવામાં આવશે, તે જ સ્થળ તેમનું જંતર-મંતર બની જશે અને તેઓ જેલ જવા માટે પણ તૈયાર છે.
સુપ્રીમ કોર્ટમાં મામલો
દિલ્હી પોલીસે આટલી કડકાઈ રાખવા પાછળ 7 ઓક્ટોબરે મોડી આવેલી અરજી અને નવી દિલ્હીમાં લાગુ કલમ 163ને મુખ્ય કારણ ગણાવ્યું છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં અદાલતે ટિપ્પણી કરી હતી કે "માખી મારવા માટે હથોડાનો ઉપયોગ ન થવો જોઈએ." કોર્ટે નાગરિકોને ટ્રાન્સપોર્ટ અને મુસાફરીનો હક જળવાઈ રહે તેમજ મેટ્રો-ટ્રેન બંધ કરવાના નિર્ણયો પર પુનર્વિચાર કરવા ટકોર કરી છે.
બીજી બાજુ, નોઈડા અને દિલ્હી-નોઈડાના ચિલ્લા બોર્ડર પર પણ કડક નાકાબંધી કરવામાં આવી છે, જેથી ઉત્તર પ્રદેશ તરફથી કોઈ ભીડ દિલ્હીમાં પ્રવેશી ન શકે. ગૌતમબુદ્ધ નગરમાં 20 ઓક્ટોબર સુધી કલમ 163 લાગુ કરવામાં આવી છે.