સત્ય. સાહસ. સંકલ્પ.

દિલ્હીના 43.5% બાળકોના ફેફસાં નબળા: ફટાકડા પર પ્રતિબંધ છતાં પ્રદૂષણ શા માટે ઘટતું નથી?

દિલ્હીના 43.5% બાળકોના ફેફસાં નબળા: ફટાકડા પર પ્રતિબંધ છતાં પ્રદૂષણ શા માટે ઘટતું નથી?

દિલ્હીમાં વાયુ પ્રદૂષણની અસર હવે બાળકોના સ્વાસ્થ્ય પર સ્પષ્ટ દેખાઈ રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના એક અભ્યાસમાં દાવો કરાયો છે કે દિલ્હીના 43.5% બાળકોના ફેફસાંની ક્ષમતા ઘટી છે. બાળકોના સ્વાસ્થ્ય અને પ્રદૂષણના મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી છે અને લોકોને જાગૃત થઈને જન અભિયાન ઉપાડવા અપીલ કરી છે.

6 નવેમ્બરે ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે જણાવ્યું હતું કે ફટાકડાથી થતું પ્રદૂષણ માત્ર અદાલતના આદેશો અને પોલીસ તૈનાત કરવાથી રોકી શકાય તેમ નથી. આ માટે લોકોની ભાગીદારી જરૂરી છે. કોર્ટે સરકાર અને સ્થાનિક સંસ્થાઓને કાઉન્સિલરો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા કહ્યું છે. કોર્ટનું કહેવું હતું કે વારંવાર આદેશો આપવાથી ઘણી વખત તેનું ઉલ્લંઘન પણ વધે છે, તેથી દિવાળીમાં ફટાકડાના મુદ્દે લોકોએ જાગૃત થઈને તેને જન અભિયાન બનાવવું પડશે.

CPCBના 2012ના અભ્યાસનું નામ ‘Study on Ambient Air Quality, Respiratory Symptoms and Lung Function of Children in Delhi’ છે. આ અભ્યાસમાં 9થી 17 વર્ષના બાળકોના ફેફસાંની તપાસ કરવામાં આવી હતી, જેમાં દિલ્હીના 5,671 અને અન્ય વિસ્તારોના 2,245 બાળકોએ ભાગ લીધો હતો. દિલ્હીના 43.5% બાળકોમાં ફેફસાંની ક્ષમતા ઘટેલી મળી આવી હતી, જ્યારે દિલ્હી બહારના બાળકોમાં આ આંકડો 25.7% હતો.

દિલ્હીમાં 20.3% બાળકોમાં શ્વાસ લેવાની ક્ષમતા સંબંધિત સમસ્યા, 13.6%માં શ્વાસનળી સંબંધિત સમસ્યા અને 9.6%માં બંને પ્રકારની મુશ્કેલી જોવા મળી હતી. અભ્યાસ પ્રમાણે છોકરીઓની સ્થિતિ વધુ ચિંતાજનક હતી — દિલ્હીમાં 51% છોકરીઓ અને 39.8% છોકરાઓના ફેફસાંની ક્ષમતા ઓછી મળી હતી. ગંભીર સમસ્યા ધરાવતા બાળકોનો આંકડો દિલ્હીમાં 7.3% હતો, જ્યારે અન્ય વિસ્તારોમાં તે 2.2% હતો. દિલ્હીમાં ચોમાસા દરમિયાન ફેફસાંની ક્ષમતા ઘટેલા બાળકોનો આંકડો 39.9% હતો, જ્યારે શિયાળા અને ઉનાળામાં તે 52.7% સુધી પહોંચ્યો હતો.

દિલ્હી-NCRમાં ફટાકડા પર રોક માટે અવારનવાર આદેશો બહાર પાડવામાં આવ્યા છે. 2018માં સુપ્રીમ કોર્ટે પરંપરાગત ફટાકડાના વેચાણ પર રોક લગાવીને ગ્રીન ફટાકડાને મંજૂરી આપી હતી, છતાં પ્રતિબંધોનું પાલન કરાવવું વહીવટીતંત્ર માટે પડકારજનક રહ્યું છે. 2 નવેમ્બર 2026ના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે 2024માં દિલ્હી-NCRમાં ફટાકડા પર સંપૂર્ણ રોક લગાવ્યા પછી પણ AQIમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. જોકે અદાલતે એ પણ નોંધ્યું કે સરકારો અને સંબંધિત એજન્સીઓએ એવો પર્યાપ્ત ડેટા આપ્યો નથી, જેથી નક્કી થઈ શકે કે સંપૂર્ણ પ્રતિબંધથી પ્રદૂષણ કેટલું ઘટ્યું. કોર્ટે સ્વીકાર્યું કે ફટાકડા પ્રદૂષણ ફેલાવે છે, પરંતુ માત્ર પ્રતિબંધ લગાવવો પૂરતો નથી.

ફટાકડાનું પ્રદૂષણ ઘટાડવા માટે ગ્રીન ફટાકડા વિકસાવવામાં આવ્યા છે. આમાં એવા રાસાયણિક મિશ્રણનો ઉપયોગ થાય છે જેથી સામાન્ય ફટાકડાની સરખામણીમાં ઓછું પ્રદૂષણ થાય. ગ્રીન ફટાકડામાંથી નીકળતા હવામાં રહેલા સૂક્ષ્મ કણોમાં ઓછામાં ઓછો 30% ઘટાડો થઈ શકે છે, અને કેટલાક ખાસ ફોર્મ્યુલેશનમાં PM2.5 અને PM10નું ઉત્સર્જન આનાથી પણ વધુ ઘટ્યું છે. પરંતુ એનો અર્થ એ નથી કે ગ્રીન ફટાકડા સંપૂર્ણપણે સુરક્ષિત કે પ્રદૂષણમુક્ત છે — તેમાંથી પણ હવામાં પ્રદૂષકો નીકળે છે, તેથી તેનો ઉપયોગ પણ નક્કી કરેલા નિયમો અને સમય મુજબ જ થવો જોઈએ.

ફટાકડા પર પ્રતિબંધ લાગુ કરવામાં સૌથી મોટી સમસ્યા બજારમાં થઈ રહેલી ગડબડ છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અને કેસમાં કોર્ટને મદદ કરી રહેલા અપરાજિતા સિંહે જણાવ્યું કે કેટલાક વેપારીઓ ગ્રીન ફટાકડાના બોક્સ બહાર રાખે છે, પરંતુ અંદર ચોરીછૂપીથી સામાન્ય ફટાકડા વેચે છે. આનાથી વહીવટીતંત્ર માટે એ ઓળખવું મુશ્કેલ બની જાય છે કે દુકાનો પર વાસ્તવમાં કયા ફટાકડા વેચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં માત્ર દુકાનોની તપાસ કે પ્રતિબંધનો આદેશ જારી કરવો પૂરતો નથી.