ક્રિકેટ જગતમાં IPL 2027 ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. બોર્ડના નિયમ મુજબ, તમામ ફ્રેન્ચાઇઝીએ 15 નવેમ્બર સુધીમાં પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી સબમિટ કરવાની છે. ત્યારબાદ 16 ડિસેમ્બરે ગોવા ખાતે મીની હરાજી યોજાશે.
દિલ્હી કેપિટલ્સની ટીમમાં મોટા ફેરફારોની શક્યતા છે. ટીમના ડાયરેક્ટર અને મુખ્ય કોચ સૌરવ ગાંગુલી તથા બેટિંગ કોચ યુવરાજ સિંહ કેટલાક કડક નિર્ણયો લઈ શકે છે. અહેવાલો અનુસાર, ટીમ મેનેજમેન્ટ હરાજી પહેલા 6 મોટા ખેલાડીઓને રિલીઝ કરવાની તૈયારીમાં છે, જેમાં 3 ભારતીય અને 3 વિદેશી ખેલાડી સામેલ હોઈ શકે છે.
આ યાદીમાં કરુણ નાયર, પૃથ્વી શૉ, રેહાન અહેમદ, દુષ્મન્થા ચમીરા, કાયલ જેમીસન અને આકિબ નબી ડારનાં નામો ચર્ચામાં છે. ફ્રેન્ચાઇઝીએ હજુ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ગત સીઝનના પ્રદર્શનને આધારે આ ખેલાડીઓની વિદાય લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.
ભારતીય બેટ્સમેનોમાં કરુણ નાયરને IPL 2026 માં દિલ્હી તરફથી માત્ર 2 મેચમાં રમવાની તક મળી હતી, જેમાં તેણે 9ની સરેરાશથી કુલ 18 રન બનાવ્યા હતા. આ નિરાશાજનક પ્રદર્શનને કારણે ટીમ તેના વિકલ્પ પર વિચાર કરી રહી છે.
આક્રમક ઓપનર પૃથ્વી શૉને દિલ્હી કેપિટલ્સે 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ IPL 2026ની આખી સીઝનમાં તેને એક પણ મેચ રમવાનો મોકો મળ્યો ન હતો. બેન્ચ પર બેસી રહેલા પૃથ્વી શૉના ભવિષ્ય અંગે મેનેજમેન્ટ મોટો નિર્ણય લઈ શકે છે.
વિદેશી ખેલાડીઓમાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમીસને IPL 2026 માં 2 મેચ રમીને 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, પરંતુ તેની ઈકોનોમી 12.86 રહી હતી, જે T20 ફોર્મેટમાં ખર્ચાળ સાબિત થઈ. આ કારણે તેને રિલીઝ કરવામાં આવી શકે છે.
શ્રીલંકાના ફાસ્ટ બોલર દુષ્મન્થા ચમીરાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પોતાની પ્રતિભા દેખાવવાની પૂરતી તક મળી નહોતી. ટીમ આગામી સીઝન માટે નવી બોલિંગ લાઇન-અપ બનાવવા માંગે છે, તેથી ચમીરાને મુક્ત કરી શકે છે.
ઇંગ્લેન્ડના લેગ-સ્પિનર રેહાન અહેમદને બેન ડકેટની જગ્યાએ રિપ્લેસમેન્ટ તરીકે લેવામાં આવ્યો હતો, પરંતુ IPL 2026 માં તેને રમવાની કોઈ તક મળી નહોતી. દિલ્હી હવે નવા સ્પિનરની શોધમાં હોવાથી રેહાનને પડતો મૂકી શકે છે.
સૌથી વધુ ચર્ચા આકિબ નબી ડારની છે. દિલ્હી કેપિટલ્સે તેના પર 8.40 કરોડ રૂપિયાનો મોટો દાવ લગાવ્યો હતો, પરંતુ તેનું પ્રદર્શન કિંમત પ્રમાણે નહોતું. તેણે ગત સીઝનમાં 5 મેચ રમીને માત્ર 14 રન બનાવ્યા હતા અને બોલિંગમાં એક પણ વિકેટ મળી નહોતી. આટલી મોટી રકમ ખર્ચ્યા પછી પણ નબળા પ્રદર્શનને કારણે મેનેજમેન્ટ તેને રિલીઝ કરીને હરાજી માટે પોતાનું પર્સ વધારવાનું પસંદ કરી શકે છે.
નોંધનીય છે કે, અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમામ ફ્રેન્ચાઇઝીએ 15 નવેમ્બર સુધીમાં રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી સબમિટ કરવાની છે અને 16 ડિસેમ્બરે ગોવા ખાતે મીની હરાજી થશે.