નવી દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં રવિવારે પાંચ માળની હોસ્ટેલ ઇમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં નીરજ બાવા અને નિતેશ નામના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેઓ લગભગ ચાર કલાક સુધી કાટમાળમાં ફસાયેલા રહ્યા બાદ બચાવી લેવાયા હતા.
ઘટના બની ત્યારે બંને મિત્રો બીજા માળે પોતપોતાના રૂમમાં હતા. નિતેશે જણાવ્યું કે, બપોરે 12:30 વાગ્યાની આસપાસ દીવાલો તરફથી પાણી જેવો અવાજ આવવા લાગ્યો. તેણે બાજુના રૂમમાં રહેતા નીરજને પૂછ્યું કે શું તેને પણ આ અવાજ સંભળાય છે? નીરજે હા પાડી, અને માત્ર બે સેકન્ડમાં જ આખી ઇમારત ધડાકાભેર તૂટી પડી.
નિતેશે કહ્યું, "હું કાટમાળમાં ફસાઈ ગયો હતો. મારા પર લિન્ટર જેવો ભારે કાટમાળ પડ્યો હતો, પરંતુ કાટમાળમાં એક નાનો ગેપ હતો, જેના કારણે મારો ચહેરો બહાર હતો અને હું શ્વાસ લઈ શકતો હતો. મારા પગ કાટમાળમાં ફસાયેલા હતા." તેણે મિત્ર નીરજને અવાજ કર્યો, ત્યારે નીરજે જવાબ આપ્યો કે તેને ખૂબ દુખાવો થાય છે.
નીરજે તેના મિત્ર વીર ચતરથને ફોન કરીને કહ્યું, "ભાઈ, હું મરી રહ્યો છું." વીરે જણાવ્યું કે, "બપોરે 1:45 વાગ્યે નીરજનો ફોન આવ્યો હતો. અમારી વચ્ચે 5-6 વખત વાત થઈ. તેણે લાઇવ લોકેશન પણ મોકલી હતી. છેલ્લે મેં તેને કહ્યું હતું કે હિંમત હારવાની નથી."
બચાવકર્મીઓએ લગભગ ચાર કલાકની મહેનત બાદ બંનેને બહાર કાઢ્યા હતા. નીરજને પહેલા પ્રાઈમસ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને બાદમાં AIIMS ટ્રોમા સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો. ત્યાં તેની રાત્રે લગભગ 10:30 વાગ્યે સર્જરી શરૂ થઈ, જે લગભગ બે કલાક ચાલી.
નીરજની હાલત ગંભીર છે. તેની પીઠ, જાંઘ અને પેટમાં ગંભીર ઇજાઓ થઈ છે. એક સર્જરી પૂર્ણ થઈ છે, પરંતુ ડોકટરો તેની સતત દેખરેખ રાખી રહ્યા છે. તેને ઇન્ફેક્શન થયું છે અને બીજી સર્જરીની તૈયારી ચાલી રહી છે.