સત્ય. સાહસ. સંકલ્પ.

બ્રિક્સ સમિટ માટે દિલ્હીમાં કડક સુરક્ષા: 25,000 જવાન, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને NSG કમાન્ડો તૈનાત

બ્રિક્સ સમિટ માટે દિલ્હીમાં કડક સુરક્ષા: 25,000 જવાન, એન્ટી-ડ્રોન સિસ્ટમ અને NSG કમાન્ડો તૈનાત

બ્રિક્સ સમિટને લઈને દિલ્હી હાઈ એલર્ટ પર છે. વૈશ્વિક નેતાઓની સુરક્ષા માટે રાષ્ટ્રીય રાજધાનીમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સુરક્ષા ચક્રવ્યૂહમાં 25,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે.

મહાનુભાવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ્સ સક્રિય કરવામાં આવી છે અને એન્ટી-એરક્રાફ્ટ ગન પણ તૈનાત કરાઈ છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) અને પેરામિલિટરી ફોર્સીસ પણ સુરક્ષામાં સહાયક રહેશે.

આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન નવી દિલ્હીમાં ઊંચી ઇમારતોની ટોચ પર સજ્જ કમાન્ડો તૈનાત રહેશે, જે સતત ચાંપતી નજર રાખશે. સ્નાઇપર્સ અને એન્ટી-સાબોટેજ ટીમો પણ ખડેપગે રહેશે. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન દિલ્હીના 35 માર્ગો અને 11 હોટલ સુરક્ષા ઘેરા હેઠળ રહેશે. બ્રિક્સનો મુખ્ય કાર્યક્રમ ભારત મંડપમ ખાતે યોજાશે, જ્યાં પ્રતિનિધિઓ રોકાયા છે તે હોટલ્સ સહિત, બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નવી દિલ્હીના ડીસીપી સચિન શર્માએ માહિતી આપતાં જણાવ્યું હતું કે શહેરમાં સુરક્ષા માટે 15,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને 100થી વધુ NSG કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એન્ટી-ડ્રોન સિસ્ટમ્સને પણ સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવી છે.

આ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત અનેક દેશોના નેતાઓ ભાગ લેશે. શી જિનપિંગ સાત વર્ષ બાદ ભારત આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિ પર વિશ્વની નજર છે.