દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ચૂક સામે આવી છે. 4 સપ્ટેમ્બરે ત્રણ ઇટાલિયન પ્રવાસીઓ અમ્રિતસરથી દિલ્હી પહોંચ્યા બાદ ફરજિયાત ઇમિગ્રેશન પ્રક્રિયા પૂરી કર્યા વગર લુફ્થાન્સાની ફ્લાઇટ પકડીને જર્મનીના મ્યુનિક શહેર પહોંચી ગયા હતા.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાકીદની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં કર્તવ્ય ભવન ખાતે યોજાનારી આ બેઠકમાં સિવિલ એવિએશન મંત્રાલયના સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરી, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ સચિવો, બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BoI)ના કમિશનર, એર ઇન્ડિયા ગ્રુપ હેડ અને દિલ્હી એરપોર્ટના CEO (DIAL) હાજર રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દરમિયાનગીરી બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)એ 12 સપ્ટેમ્બરે એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જોકે, એર ઇન્ડિયા તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કે જવાબ રજૂ કરવામાં આવ્યો નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચૂક અમ્રિતસર એરપોર્ટ પર થયેલી ગેરસમજથી શરૂ થઈ હતી. આ ત્રણેય ઇટાલિયન નાગરિકોને અમ્રિતસર એરપોર્ટ પરથી જ દિલ્હી માટે તેમજ આગળ લુફ્થાન્સાની મ્યુનિક ફ્લાઇટ માટે બંને બોર્ડિંગ પાસ એકસાથે ઇશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. સામાન્ય નિયમ મુજબ આ મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર પહોંચીને ભારતમાંથી બહાર જવા માટે ફરજિયાત ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવવાનું હતું.
જોકે સ્ટાફની ગંભીર બેદરકારીના કારણે તેમને સીધા I-to-I (International-to-International) ટ્રાન્સફર એરિયામાં મોકલી દેવાયા. આ ટ્રાન્સફર એરિયા માત્ર વિદેશથી આવીને અન્ય ત્રીજા દેશમાં જતાં ટ્રાન્ઝિટ મુસાફરો માટે હોય છે, જેના પરિણામે આ મુસાફરો ભારતીય ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થયા વિના સીધા વિમાનમાં બેસીને મ્યુનિક પહોંચી ગયા હતા.
સરકારે અમ્રિતસર જેવા ઘણા એરપોર્ટ પર 'હબ-એન્ડ-સ્પોક મોડેલ' લાગુ કર્યું છે, જેમાં વિદેશ જતાં મુસાફરોનું ઇમિગ્રેશન મૂળ એરપોર્ટ (સ્પોક) પર જ પૂરું કરી દેવાય છે જેથી હબ (દિલ્હી) પર તેમણે માત્ર સિક્યોરિટી ચેકમાંથી જ પસાર થવું પડે. જોકે આ કિસ્સામાં બંને એરલાઇન્સ વચ્ચે લાગુ પડતી હબ-એન્ડ-સ્પોક વ્યવસ્થા નહોતી, જેથી નિયમ મુજબ દિલ્હી ખાતે ઇમિગ્રેશન કરાવવું કાયદેસર ફરજિયાત હતું. યોગ્ય ચેકિંગ વગર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં પ્રવેશી જવાના આ કેસને સુરક્ષા એજન્સીઓ અત્યંત ગંભીરતાથી તપાસી રહી છે.