સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી પહેલાં દિલ્હીની હવા ખરાબ: AQI 233, GRAP-1 લાગુ, કોલસો અને ડીઝલ જનરેટર પર પ્રતિબંધ

દિવાળી પહેલાં દિલ્હીની હવા ખરાબ: AQI 233, GRAP-1 લાગુ, કોલસો અને ડીઝલ જનરેટર પર પ્રતિબંધ

દિવાળીના તહેવાર પહેલાં જ દેશની રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. બુધવારે સવારે 9 વાગ્યે દિલ્હીનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 233 નોંધાયો હતો, જે 'ખરાબ' શ્રેણીમાં આવે છે. આ પછી વહીવટીતંત્રે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP-1ના નિયંત્રણો તાત્કાલિક અસરથી લાગુ કરી દીધા છે.

GRAP હેઠળ AQI 201થી 300ની વચ્ચે પહોંચે ત્યારે પ્રથમ તબક્કાના નિયંત્રણો લાગુ થાય છે. હાલની સ્થિતિમાં ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.

GRAP-1 હેઠળ શું બંધ રહેશે?

પ્રદૂષણ પર કાબૂ મેળવવા હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં કોલસાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. ડીઝલ જનરેટર ચલાવવા પર પણ રોક લગાવાઈ છે; માત્ર ઈમરજન્સી સેવાઓને જ તેના ઉપયોગની છૂટ રહેશે.

ધૂળ ઘટાડવા માટે રસ્તાઓની નિયમિત સફાઈ અને પાણીનો છંટકાવ શરૂ કરાયો છે. શહેરના બાંધકામ સ્થળોએ ધૂળ ન ઊડે તે માટે મોનિટરિંગ વધારાયું છે અને કચરાના યોગ્ય નિકાલ માટે કડક વ્યવસ્થા ગોઠવાઈ છે.

તાપમાનમાં પણ ઘટાડો

હવામાન વિભાગ (IMD) મુજબ દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે આ ઋતુના સરેરાશ કરતાં ઓછું છે. સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહ્યું, જ્યારે પાલમમાં 17.8 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી ઓછું છે. લોધી રોડ પર 17.7 ડિગ્રી, રિજ વિસ્તારમાં 19.1 ડિગ્રી અને આયાનગરમાં 17.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જેથી વહેલી સવારે ઠંડક અનુભવાઈ રહી છે.

AQI કેવી રીતે નક્કી થાય છે?

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના માપદંડ મુજબ 0થી 50નો AQI 'સારો' ગણાય છે. 51થી 100 'સંતોષકારક', 101થી 200 'મધ્યમ' અને 201થી 300 'ખરાબ' શ્રેણીમાં આવે છે. 301થી 400 'ખૂબ ખરાબ' અને 401થી 500ની વચ્ચેની સ્થિતિ 'ગંભીર' માનવામાં આવે છે. દિલ્હીનો આંકડો 233 પર પહોંચ્યો હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે.