દિવાળી પછી દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, શહેરના ઘણા વિસ્તારોમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ખતરનાક સ્તરે પહોંચી ગયો છે.
ચાંદની ચોક વિસ્તારમાં AQI 400ને પાર જતો રહ્યો છે, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. અક્ષરધામ સહિત અનેક વિસ્તારોમાં ધુમ્મસનું જાડું સ્તર છવાઈ ગયું હતું.
દિલ્હીમાં એકંદર AQI 301થી ઉપર રહ્યો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. અન્ય વિસ્તારોની વાત કરીએ તો આનંદ વિહારમાં 293, બાવાનામાં 328, બુરાડીમાં 315 અને દ્વારકા સેક્ટર 8માં 327 AQI નોંધાયો છે. ધૌલા કુઆન વિસ્તારમાં AQI 194 રહ્યો, જે ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે.
આ સ્થિતિ દિવાળી પછી પ્રદૂષણમાં થયેલા વધારાને કારણે સર્જાઈ છે. ઠંડી વધતાં ધુમ્મસ અને પ્રદૂષણના કણો હવામાં લાંબો સમય ટકી રહે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સુધારવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ દિવાળી દરમિયાન ફટાકડા અને ઠંડીનું મિશ્રણ પ્રદૂષણને વધુ ગંભીર બનાવે છે.
આ સિવાય ભાવનગરમાં દિવાળીની રાત્રે એક 32 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. એક વર્ષ જૂના ઝઘડાની અદાવત રાખીને આ હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે.